આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝમકુનો કોયડો
૧૭૩
 

વિસ્મય અનુભવી રહ્યાં. ઝમકુ શું કહેવા માગે છે, એના મનમાં શી યોજના રમી રહી છે, એ જ સમજાયું નહિ. ગિધાના આકસ્મિક મૃત્યુ પછી નોધારી બની ગયેલી, બહેનની સારસંભાળ લેવા માટે દામજી આવેલો, પોતે અંગત અગવડો વેઠીને પણ એણે ગિધાના વેપારવહીવટનો પથારો સંકેલેલો; આવા માઠા વરસમાં માંડી જ વાળવી પડે એવી કેટલીક ઉઘરાણીઓ પણ કુનેહપૂર્વક પતાવેલી. દામજી આવતાં નિરાધાર ઝમકુને એક ઓથ થઈ પડેલી અને નબાપાં બાળકોને શિરછત્ર સમું ઢાંકણ મળી રહેલું. આવો વહાલસોયો ને સાચદિલ ભાઈ હવે ઝમકુને બળજબરીથી બીજું ઘર કરવા પ્રેરી રહ્યો છે કે એમાં એ નડતરરૂપ બની રહ્યો છે ?

ઝમકુએ કરેલો લાંબો અસંબદ્ધ વાર્તાલાપ સાંભળનારના મનમાં આવી શંકા ઊઠે એ સ્વાભાવિક હતું.

‘મૂવાની કંજુસાઈ તો જુવો, કંજુસાઈ !’ ઝમકુએ વળી પાછો પ્રલાપ શરૂ કર્યો. ‘મારે આંગણે બે મહીમે’માન આવે ઈ ય દામલાને ન ગમે. હેં બૈ ! આપણે ઘર માંડીને બેઠાં હોઈએ પછી કોઈ સગાંસાંઈ તો આવે કે ન આવે ? સાચું કે’જો. હવે ઈ ટાણે આવનારને સાવ રોટલા શાક થોડાં ખવરાવાય ? મીઠું રાંધણું તો રાંધવું જ પડે ને મારી બૈ ! હવે એમાં ઘી વવરાય તો મારા ધણીની કમાણીનું વવરાય, પણ દામલાનો જીવ માલીપાથી લચુપચુ થાય.’ કહીને ઝમકુએ આ આખાં ય જીવનનાટકનું ભરતવાક્ય ઉચ્ચાર્યું : ‘ભલા, આવા ભાઈ હાર્યે ભેગું રે’વું કેમ કરીને પોહાય ?’

આ વેળા તો ઊજમ–સંતુ વધારે વિસ્મય અનુભવી રહ્યાં.

એ વાત સાચી હતી કે ગિધાના મત્યુ પછી ઝમકુને આંગણે મહેમાનોની ભીડ વધી હતી. સગાંઓને પણ છાંટ ન નાખનાર ગિધો જીવતો ત્યાં સુધી તો ભાગ્યે જ કોઈ નાતીલાં એને ઊંબરે ચડેલાં. પણ એના મૃત્યુ પછી કારજ વગેરે નિમત્તે ઝમકુને રાંધણિયે જે તાવડો ચડેલો એ તો કાણ–કૂટણાં ને કારજ પણ પતી ગયા પછી