આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ એકવીસમુ

જીવતરનાં થીગડાં

બીજે દિવસે જ ઊજમને જાણવા મળ્યું કે આંગળીનો કરડો સમો કરાવવાને બહાને ઝમકુ નથુ સોનીને હાટે ગઈ હોવાનો, સંતુના સંભવિત નાતરા અંગેની વાત સાંભળી આવી હોવાનો એણે જે દાવો કરેલો, એ વસ્તુતાએ સાચો હતો, માત્ર એની વિગતમાં ફેર હતો. ઝમકુ આંગળીનો કરડો સમો કરાવવા નહોતી ગઈ, પણ સતીમાને ચડાવવા માટેનું છત્તર ઘડાવવા નાખેલું, એ લેવા ગઈ હતી.

ઊજમ બીજે દિવસે વાડીએ ગઈ ત્યારે સતીમાના ફળા ઉપર નવું નકોર છત્તર ઝૂલતું જોઈને એને નવાઈ લાગેલી. ‘આવા માઠા વરહમાં કોણે આ દહ તોલા રૂપાનું ખરચ કરી નાખ્યું ?’ એમ મનમાં વિચારી રહી.

ગોબરના મૃત્યુ પછી વાડીપડાના પરચૂરણ કામ માટે હાદા પટેલે રાકેલા નવા સાથી ગીગાને ઊજમે પૂછગાછ કરી ત્યારે શરૂઆતમાં તો ગીગાએ સોઈઝાટકીને કહી દીધું કે મને ખબર જ નથી. પણ જે વાત મન પર લે એને છેડા સુધી પહોંચવાના સ્વભાવવાળી ઊજમને સાથીના આ નકારથી સંતોષ થયો નહિ. એણે તો ફેરવી ફેરવીને એ પ્રશ્ન પૂછ્યા જ કર્યો. આરંભમાં તો ગીગો મક્કમ રહ્યો. પણ આખરે એ ગેંગેં–ફેફેં થઈ ગયો એટલે ઊજમે એને દબાવ્યો : ‘તને આંયાંકણે સાથી મેલ્યો છે, તી વાડીનું ધ્યાન રાખવા મેલ્યો