આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
લીલુડી ધરતી-૨
 


‘હંધું ય આગોતરું જ ગોઠવી રાખ્યું’તું’, એટલે તો આખો કેસ લૂલો કરી નાખ્યો. પોતે દારૂના નશામાં ટેટો સળગાવી નાખ્યો’તો એમ કહી માંડણિયો છુટી જાશે—’

માંડણના સંભવિત છુટકારાનો આ અવળો અર્થઘટાવ થઈ રહ્યો. આખી ય ઘટનાને સહાનુભૂતિથી જોનારાં માણસો પણ ગામમાં હતાં.

‘ભગવાન કરે ઈ હંધું ય જોઈ વિચારીને જ કરે. માંડિણિયો ઘરભંગ છે, ને સંતુ હજી નાની બાળ છે. ગમે એવી અજવાળી તો એ રાત્ય ગણાય. લીલા સાંઠાને વળતાં શી વાર ? એના કરતાં બેય જણાં સાંઢેવાંઢે ઘરસંસાર હલવે એના જેવું રૂડું શું ?’

‘ને આપણે તો રિયાં લોકવરણ... ખેડ્યનો ધંધો કરનારે તે ભેઠ્ય વાળીને ભૂતની ઘોડ્યે કાળી મજૂરી કરવાની. આપણને કાંઈ વાણિયાભામણ જેવા લાડકા રંડાપા માણવા પોહાય ?’

હિતૈષીઓ માંડણ અને સંતુનાં ભાવીને આમ અધ્ધરોઅદ્ધર જોડી રહ્યાં હતાં ત્યારે એમાં વિસંવાદી સુર પુરાવનાર પણ કોઈ કોઈ નીકળી આવતાં હતાં :

એલાવ તમે આંયાંકણે બેઠાં લાકડેમાંકડાં જોડી રિયાં છો, પણ માંડણિયો તો જેલમાં બેઠો વેરાગી થઈ ગ્યો છ, ઈ વાત જાણો છો ? પોતાને હાશે સગા પિતરાઈની હત્યા થઈ ગઈ એનું પ્રાછત કરે છે... રોજ રાત્ય પડે ને ચોધાર આંસુડે રૂવે છે. કિયે છ, કે મને મારા કરમે જ કમત્ય સુઝાડી, ને મૂળગરિયાના હાથનો દારૂ પીને મેં ગોબરિયાને ગૂડી નાખ્યો. મારો આ ભવ તો બગડ્યો, પણ હવે આવતે ભવ બળધ થઈને ન અવતરવું પડે, એટલે પ્રાછત કરું છું.... સાંભળ્યું છે કે માંડણિયે તે જેલમાં જ અતીતને હાથે ડોકમાં માળા પે’રીને ભભૂત ચોળી લીધી છે—’

હવે રાખો, રાખો ! માંડણિયા જેવો કલાંઠ માણહ ભભૂત ચોળશે તંયે સાચા ભભૂતિયાવે ભેખ ઉતારી નાખવા પડશે. ઈ તો