આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૂરજ ઊગતાં પહેલાં
૨૦૩
 


મોંસૂઝણું થવાને હજી સારી વાર હતી, તેથી અંધકારનો લાભ લઈને અજવાળીકાકીએ પતિ અને માંડણ સાથે નિખાલસ ચર્ચાવિચારણા કરવા માંડી. બગબગું થઈ જાય એ પહેલાં ગમે તે પ્રકારે બાળકીનો નિકાલ લાવવા એમણે પેટછૂટી વાત કરી નાખી—

‘ઘરમાં તો કેમે ય કરીને સંઘરાય એમ નથી—’

‘પણ કાકી !’ માંડણે કહ્યું, ‘આ મૂંગા જીવ ઉપર જરાક તો દિયા કરો !—’

‘જિવાડનારે એને જિવાડી દીધી છે, તો હવે એની હત્યા નહિ કરું.’ કાકી કબૂલ થયાં. ‘પણ આ ઘરમાંથી એને ઝટ આઘી કરવી જ પડશે. સૂરજ ઊગ્યા પહેલાં જ આઘી કરવી પડશે—’

‘કેમ કરીને આઘી કરશો ?’ માંડેણે પૂછ્યું. ‘આ તો મૂંગા ૫હુ જેવું પરવશ—’

અને અજવાળીકાકી એકાએક અત્યંત ગદ્‌ગદ્‌ અને યાચક સ્વરે માંડણને વિનવી રહ્યાં :

‘માંડણ, ગગા ! મારી જડીની લાજ રાખ્ય, તો તારો પાડ ભવોભવ નહિ ભૂલું’

‘પણ હું આમાં શું કરું, કાકી ?’

'આ છોકરીને ક્યાંક આઘીપાછી કરી દે. સૂરજ ઊગ્યા મોર્ય ક્યાંક આઘીપાછી કરી દે—’

‘આ કાંઈ ઘઉં–બાજરાનું બાચકું થોડું છે કે ગાડામાં નીરણ પૂળાની હેઠળ સંતાડીને આઘુંપાછું કરી દેવાય ? આ તો જીવતો જીવ...’

‘માડી ! આ સંસારમાં રૈને હંધું ય કરવું પડે... કહુલે કરવું પડે... દુનિયાના વે’વાર તું જાણશ ? આબરૂને આછે ઢાંકણે જીવવાનું... મારી પારેવડી જેવી જડીને અટાણે જીભ કચડીને મરવાનું ટાણું... એનું જીવતર આખું રોળાઈ જાય... પોર સાલ તો લગન લેવાનાં... વાને કાને ય વાત જાય તો મારી ગગીને કપાળે કાળી ટીલી