આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
લીલુડી ધરતી-૨
 


‘ઈ તો સંતુએ એનું ઘર માંડવાની ના પાડી એટલે માંડણને રીસ ચડી છે.’

‘પોતાની પરણેતરને સળગાવી દીધી, ને ગોબરિયાને પૂરો કરી નાખ્યો, પછી ઈના મનમાં સોળ આની ખાતરી હતી કે સંતુ મારા રોટલા ઘડશે. સંતુએ કાંઈ કાનસરો આપ્યો નહિ એટલે કુંવર થઈ ગ્યા હાલતા—’

પાણીશેરડે ઘણા દિવસથી કૂથલી માટે કોઈ ઉત્તેજક વિષય જ નહોતો. વળી વખતીએ મૂકેલી આ કલ્પના સારા પ્રમાણમાં ચગી.

‘આ તો માંડણિયે ઓલ્યા જૂના વારાના ભાટ–ચારણ જેવું ત્રાગું કર્યું કેવાય.—’

‘ને હવે તો સંતુ સામી જઈ ને માંડણને આંગણે હેલ્ય ઉતારે તો જ કુંવરનાં રિસામણાં છૂટે—’

‘બાપુ ! પણ આવાં ત્રાગાં કે રિસામણાં તો ક્યાંય મલકમાંય સાંભળ્યાં છે ?’

‘પણ આ તો બાળાપણની પ્રીત... ને એની નીંગઠ ગાંઠ્યું કેમે ય કરીને છૂટે જ નહિ–’

આમ, લોકકલ્પનાનું વહેણ સાવ જુદી જ દિશામાં ચડી ગયું એથી અજવાળીકાકી બહુ રાજી થયાં. માંડણના ગુમ થવા પાછળનું ગુપ્ત પ્રયોજન ગોપિત જ રહેવા પામ્યું. પેલી પાછલી રાતે ડાઘિયા કૂતરાએ ભસીને જે અકળામણ ઊભી કરેલી અને માંડણે એ વિકટ પરિસ્થિતિમાંથી જે માર્ગ કાઢેલો એની કોઈને ગંધ સુધ્ધાં આવી શકી નહિ.

અને એવામાં વળી એક રસિક સમાચાર આવ્યા.

બન્યું એમ, કે ગામમાંથી પરભો ગોર એના કોઈક દૂર દૂર વસતા યજમાનનાં શ્રાદ્ધસરામણાં કરવા ખભે ખાલી ખડિયો નાખીને તુલસીશ્યામ ગયેલો. થોડા દિવસ બાદ એ યજમાનનાં દાપાં-દક્ષિણા ને અખિયાણાં વડે ફાટફાટ થતો ખડિયો ખાંધે નાખીને પાછો આવ્યો