આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાઘિયો રોયો
૨૧૩
 

 ‘પણ ટાણું–કટાણું તો જોવું જોઈએ કે નહિ ? કો’કનો જીવ કહટાતો હોય તંયે ય ટાણાસર હાજર ન થાય તો ઈ કામની શું ? ટાણું વીતી ગયા કેડ્યે એને શું ઘંહીને ગૂમડે ચોપડવી ?’

‘એમ ટાણું સાચવીને ઊભી રિયે તો તો વખતી શેની ?’

‘બાપુ ! વખતીનાં વાંકાં શું કામે બોલો છો ઠાલાં ?’ કરતીકને કમ્મરમાંથી લગભગ બેવડ વળી ગયેલી વખતી ગમાણમાં પ્રવેશી.

‘વાંકાં માણહનાં તો વાંકાં જ બોલવાં પડે ને !’ ઊજમે કહ્યું. ‘તમને તો ઓલ્યા વાણંદ જેવું વરદાન... બરક્યાં ભેગાં તો આવે જ નહિ... એક ઘરાકનું વતું કરીને આવું છું, એમ કહીને પડખેની શેરીમાં ખોટેખોટો ફેરો ખાઈને જ આવે. ઈ વાણંદ માંયલાં જ છો તમે. બરક્યા ભેગાં આવો તો તમને તમારા જ સમ.’

‘હવે તો મને બરકે છે ય કોણ ?’ સંતુ નજીક જતાં વખતીએ માર્મિક મમરો મૂક્યો. ‘આ સોનીફળિયામાં સુવાવડ આવી તંયે સાવ દીધે બારે દિવાળી જેવું કરી નાખ્યું, તે કોઈને ખબરે ય ન પડવા દીધી !’

‘કોણ ? કોણ ? કોની વાત કરો છો ?’ ઊજમે પૂછ્યું.

‘નામ દીધે શું વશેકાઈ ? ઠાલું બોલ્યું બાર્ય પડે.’ કહીને વખતી બોલ્યા વિના તો ન જ રહી. ‘એ...ય ને સખેને હાથોહાથ હથુકાં જેવું કરી નાખ્યું... આ વખતીની ભૂખે ય જરૂર ન પડી... હંધું ય સમેસુતર પતવી નાખ્યું... નવા જલમનારા જીવને એ... ય ને નિરાંતે ઠેકાણે પાડી નાખ્યો... જાય ભેંસ પાણીમાં. કોણ જોવા જાવાનું હતું કે શું કર્યું ?... કોઈને ગંધ્યે ન આવવા દીધી... સાવ દીધે બારે જ દિવાળી... આ વખતી તો વા ખાતી રૈ ગઈ. ને મા–દીકરી એ...ઈ ને સરખેથી શ્રીનાથજીની જાતરાએ ઊપડી ગ્યાં... ઠાલું નામ દીધે શું વશેકાઈ.... બોલ્યું બાર્ય પડે મારી બૈ—’

નામ દીધા વિના વિચક્ષણ વખતીએ પોતાના તહોમતનામાને અંતે ‘જાતરાએ ઊપડી ગ્યા’નું જે સૂચક ઈંગિત આપ્યું એ ઉપરથી