આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
લીલુડી ધરતી-૨
 

ઝાલી નહિ બેસે.’

‘માડી ! અટાણે તો તાવડીનો મગજ તપી ગ્યો છ, ઈ ટાઢો થાય તો ય ઝાઝી વાત, ગાંડાં માણહને સાચવવાં સહેલ નથી—’

‘હા, જોતાં નથી, ઓલ્યા ઓઘડિયા ભૂવાની માથે માતાના રથ ફરી ગ્યા છ, તી હમણાંનો સાવ મગજ મેટ જેવો થઈને ગામ આખામાં રખડ્યા કરે છે ને ઉકરડા ડખોળી ડખોળીને એંઠી પીધેલી બીડિયું જ ગોત્યા કરે છે—’ તાજેતરમાં પાગલ બનેલા ઓઘડ ભૂવાને એક પડોશણે યાદ કર્યા. ‘માડી ! ગાંડા માણહનો તી કાંઈ અવતાર છે !’

‘મૂવો ઓઘડિયો તો ઈ જ લાગનો હતો ! જંદગી આખી સાચાં–ખોટાં ધૂણી ધૂણીને કૈંક દેવદેવલાંનાં પાખંડ કર્યાં’તાં તી ઉપરવાળો એનું સાટું વાળ્યા વન્યા મેલે ? કો’ક વાર ક્યાંક ભૂલચૂક થઈ ગઈ હશે તી માથેથી માતાના રથ ફરી ગ્યા, ને હવે બીડિયુંનાં ઠૂંઠાં જ સંઘરતો ફરે છે રોયો—’

‘ઈ હવે મહાણે ગુડાવા જેવડો માણહ ડાહ્યો રિયે કે ગાંડો થઈ જાય તો ય શું ? એને તો હંધું ય સરખું. પણ આ સતું તો નાની બાળ કહેવાય ! ગાંડપણ આવે તો અવતાર બળી જાય.’

અને પછી તો, સંતુને નિમિત્તે ગુંદાસરમાં પૂર્વે કોણ વિખ્યાત પાગલો થઈ ગયેલાં, એમનાં પાગલપણાનાં વિશિષ્ઠ લક્ષણો શાં હતાં, તેઓ કેવી રીતે જીવ્યાં ને કેવી રીતે મરી પરવાર્યાં, એની આખી વંશાવળીઓ ઊખળી અને એમના કડીબદ્ધ ઇતિહાસો પણ રજૂ થઈ ગયા.

આખરે કંટાળીને ઊજમે આ સહુ શુભેચ્છકોને વિદાય કર્યાં, ત્યાં ધનિયો ગોવાળ સાંજનું દૂધ દોવા આવી પહોંચ્યો.

સંતુ અત્યારે લાંબી રોક્કળ ને હસાહસ કર્યા પછી જરી વાર જંપી ગઈ હતી. પણ ઊજમ જાણતી હતી કે કાબરીની સન્મુખ મુકાયેલું ગાભા ભરેલું બચલું જોઈને જ સંતુને ઉન્માદ