આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ ઓગણત્રીસમું
ખાલી ખોળો

સંતુ એકલી ઘર બહાર જાય ને રખે ને ટીખળી લોકો એની પજવણી કરે એ બીકથી ધીમે ધીમે ઊજમે એના ઉપર જાપ્તો રાખવા માંડ્યો.

‘ગાંડા માણહને ગમ હોય ? ગમે ત્યાં હાલી જાય તો મારે એને ગોતવી ક્યાં ?’

ઊજમની–ઊંઘ ઊડી ગઈ. દિવસ ને રાત એને સંતુની ચિંતા જ સતાવી રહી. પોતે રોટલા ઘડવા બેસે ત્યારે ખડકીને બારણે તાળું વાસીને બેસે. ‘રખે ને સંતુ બારણું ઉઘાડીને બહાર ચાલી જાય, ને કાંઈ તોફાન કરી બેસે તો ?’

ગામલોકોને પણ એક નહિ પણ બે ગાંડાં માણસના તાલ જોવા મળ્યા : સંતુ અને ઓઘડ ભૂવો.

ઓઘડનું ગાંડપણ હાસ્યપ્રેરક હતું, સંતુનું કરુણ હતું. આમ લોકોને હસવું ને હાણ્ય જેવો મિશ્ર અનુભવ થઈ રહ્યો.

સંતુ માટે સહુને સહાનુભૂતિ હતી, ત્યારે ઓઘડની દયા ખાનારાં બહુ ઓછાં હતાં. એ વયોવૃદ્ધ ભૂવાને તો કવિન્યાય જ મળી રહ્યો છે એ સંતોષ લોકો અનુભવતાં હતાં.

‘ભાઈ ! ઈ તો જેમ હુશિયાર તરનારાનું મોત પાણીમાં, એમ આ ડાકલા વગાડનારનું મોત એનાં જંતરમંતરમાં જ. ઓઘડિયાનાં હાથનાં કર્યાં એને જ હૈયે વાગ્યાં. ગામ આખાનાં ઝોડ – ઝપટ કાઢતો’તો પણ એને જ કોકની ઝપટ વાગી ગઈ––’