આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તમાશો
૨૪૩
 


‘લે, તું શરમાતી હો તો હું પંડ્યે ય તારી પડખે ઊભી રૈશ ને સંતુનો વે’મ રાખીશ. હવે છે કાંઈ ?’

શેરીને નાકે ભચડો વાદી પડ બાંધીને હાથચાલાકી, અંગકસરત ને નજરબંધીના પ્રયોગોની પૂર્વતૈયારીઓ કરી રહ્યો હતો. એની આજુબાજુ ગામ આખાનાં ટાબરિયાંઓનું વર્તુળાકાર ટોળું જમી ગયું હતું.

ટાબરિયાંઓ કરતાં ય વિશેષ કુતૂહલથી અને એથી ય વિશેષ ઝડપથી ચમેલી–રતનિયાને નિહાળવા દોડી ગયેલી સંતુ તો નાનકડાં ભૂલકાંઓની પંગતમાં એ ભૂલકાંઓ જેટલી જ ભોળા ભાવે ગોઠવાઈ ગઈ હતી. એ જોઈને ઊજમના હૃદયમાંથી સ્વાભાવિક જ નિ:શ્વાસ નીકળી ગયો : ‘અરેરે ! આવી ડાહીડમરી સંતુનો અવતાર બળી ગ્યો !’

‘ભૂખે ય અવતાર નથી બળી ગ્યો.’ વખતીએ આશ્વાસન આપ્યું. ‘આવું તો માણસ જાત્યની જિંદગીમાં હાલ્યા જ કરે. અટાણે ઈ બચાડીને માથે દખનાં ઝાડ ઊગ્યાં છે, એટલે આવાં છોકરવેડાં કરે છે. કાલ્ય સવારે સુખનો સૂરજ ઊગશે ને હંધાં ય સારાં વાનાં થઈ રેશે—’

‘સારાં વાનાં થઈ રે’શે ?’ ઊજમે વખતીની ઉક્તિનું વ્યંગમાં પુનરુચ્ચારણ કરીને કહ્યું, ‘આમાં સુખનો સૂરજ ઊગવાનાં કાંઈ એંધાણ તો કળાતાં નથી. દિન પે દિન ગાંડપણ વધતું જાય છે—’

ભચડાએ જોસભેર ડુગડુગી વગાડીને પોતાના પ્રેક્ષકવૃંદમાંની પરિચિત વ્યક્તિઓને જાણે કે આવકાર આપવા માંડ્યો :

‘આવી પૂગી ને મારી સંતીબેન !’

સાંભળીને કેટલાંક છોકરાંઓ સંતુ તરફ જોઈને ખડખડાટ હસી પડ્યાં.

ભચડાને હજી ખબર નહોતી કે સંતુનું મગજ અસ્થિર થઈ ગયું છે.