આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
લીલુડી ધરતી-૨
 

 એવી ક્ષણોએ આ બન્ને જણાંનાં બેફામ અટ્ટહાસ્ય સાંભળીને ખુદ ખેલંદાને આશ્ચર્ય થતું હતું. ભચડો વિચારતો હતો : મને પોતાને બીક લાગે છે કે રતનિયો અબઘડીએ મને ફાડી ખાશે, કે એના ભાલા જેવા નહોર ભરાવીને મને પીંખી નાખશે, ને આ બે જણાંને જરા ય બીક કેમ નથી લાગતી ?

બાળકી ડુગડુગી બજવતી રહી, ભચડો રીંછને નચાવતો રહ્યો. છોકરાઓ તાળીઓ પાડતાં રહ્યાં અને સંતુ ઉન્માદભર્યા આનંદની ચિચિયારીઓ કરતી રહી.

અને પછી તો એવું બન્યું કે રતનિયો કે ચમેલીની રમતો કરતાં સંતુની આ હર્ષોન્માદભરી કિકિયારીઓ જ વધારે પ્રેરણીય બની રહી.

હરખે ઊજમને સૂચવ્યું: ‘સંતુને ઝટ ઘરભેગી કરીને ખડકીમાં પૂરી દઈએ. આમાં તો એનું ગાંડપણ વધી જાશે––’

‘એમ લોંઠાએ ઘરભેગી નહિ થાય.’ ઊજમે કહ્યું, ‘હવે આમે ય જોવા બેઠી, ને આમે ય બેઠી. હવે તો ભચડો એનાં જનાવર લઈને આઘો જાય તો જ સંતુ ઊભી થાય—’

વખતી ઊભી ઊભી વ્યગ્રચિત્તે સંતુ તરફ તાકી રહી હતી. મનમાં વિચારવહેણ કાંઈક આ રીતે વહેતું : આ ઉન્માદનો હવે ઉપાય શો ? આવા ગાંડપણમાં એ જીવતર શી રીતે પૂરું કરશે ? સંતુની આ ઉન્માદાવસ્થા એક ભયંકર સંશયમાંથી જન્મી છે. છેક પ્રસવની ઘડી સુધી પેલા કારમા કલંકારોપણનો કીડો એના અંતરને કોરી ખાતો હતો. એમાંથી જ ભયની લાગણી જન્મેલી. મારું સંતાન પણ કલંકિત ઠરશે, મારું સંતાન આ સમાજમાં અણગમતું છે, અસ્વીકાર્ય છે. આ લાગણીમાંથી જ પેલો દારુણ સંશય એના મનમાં જન્મ્યો. મારા બાળકને કોઈએ હાથે કરીને મારી નાખ્યું છે, અથવા મારાથી છુપાવી રાખ્યું છે. એ અળખામણા આગંતુકને કોઈએ ગળાટૂંપો દઈ દીધો છે... એ સંશયાત્માને કોણ