આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨
લીલુડી ધરતી-૨
 


હતો. એની જીભ દાતરડા જેવી ગણાતી. તડ ને ફડ બોલી નાખનારી આ ડોસી ગુંદાસરમાં ‘રોકડિયા હડમાન’નું બિરુદ પામી હતી. વખતીને મન ગામનાં માણસોનું મહત્ત્વ વકીલને મન અસીલનું જે મહત્ત્વ હોય એથી વિશેષ જરા ય નહોતું. પણ કોણ જાણે કેમ, સંતુના કિસ્સામાં એણે જુદું જ વલણ અખત્યાર કર્યું હતું. આ યુવતીની યાતનાઓ જોઈને એનું અંતર રડતું હતું. ઘણી વાર તો વખતીને પોતાને ય નવાઈ લાગતી કે આ પારકી જણી સાથે મારે નહિ સ્નાનસૂતકનો સંબંધ, નહિ કાંઈ લોહીની સગાઈ, છતાં શું કામે મને એનું આટલું બધું દાઝે છે ! ભૂતકાળમાં એકબે વાર તો, એણે સંતુને દૂભવી પણ હતી. માંડણની વહુ જીવતી જ્યારે બળી મરી, અને પાણીશેરડે સંતુએ માંડણિયા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરેલી, ત્યારે વખતીએ એને ટોણો મારેલો : ‘માંડણિયાનું બવ પેટમાં બળતું હોય તો એનું ઘર માંડજે !...’ વખતી અત્યારે જાણે કે આ ગત અપરાધોનું પ્રાયશ્ચિત્ત કરી રહી હોય એમ સંતુનાં દુઃખે પોતે દુ:ખી થઈ રહી હતી.

બજારમાં આંટો મારવા નીકળેલા મુખી પાછા ફરતાં આ ખેલ જોવા ઊભા રહ્યા તેથી તો ભચડો બમણો ઉત્સાહિત થયો. ભવાનદા ચાલ્યા જાય એ પહેલાં નજરબંધીનો મુખ્ય ખેલ પતાવી નાખવા — અને એ રીતે મુખીને રીઝવીને એમના ગજવામાંથી ય પાઈ પૈસો ખંખેરવા — એણે પોતાની બાળકી ચમેલીને ઝટઝટ એક નેતરની પેટીમાં સુવડાવી દીધી ને માથે જાળીવાળું ઢાંકણું ઢાંકી દીધું.

‘એલા ભચડા !’ મુખીએ ઠપકો આપ્યો, ‘આ મા વન્યાની છોકરીને બચાડીને શું કામે ને આવા કહટ કરાવશ ?’

‘શું કરું? મુખીબાપા ! છોકરી મા વન્યાની છે ઈ તો હું ય જાણું છું, ને આ રમત્યમાં એને ભારી કહટ પડે છે ઈય સમજું છું. પણ આ પાપિયું પેટ આવા ધંધા કરાવે છે !’

‘એલા, રીંછડાં–વાંદરાને રમાડાય ત્યાં લગણ તો ઠીક છે,