આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
લીલુડી ધરતી-૨
 

 હેમખેમ પૂરું થઈ જાવા દિયો, તો તમારો પા’ડ’ કહીને ભચડાએ બેધડક ત્રીજો ખીલો પેટીમાં ભોંકી દીધો.

જોનારાંઓ ફરી કમ્પારી અનુભવી રહ્યાં, છતાં એમને આ દિલ ધડકાવનારો પ્રયોગ જોવો તો ગમતો હતો.

ચોથો ખીલો ભોંકાયો અને ફરી ચારે બાજુથી ભયસૂચક સિસકારી ઊઠી.

પાંચમો, છઠ્ઠો, સાતમો.....

પ્રેક્ષકો ફાટી આંખે નિહાળી રહ્યા. ક્યારના ભચડાને ઠપકો આપી રહેલા મુખી પણ હવે મૂંગા થઈ ગયા.

સંતુની ભેદી ચિચિયારીઓ વધતી રહી; ઊજમના મનમાં ઉચાટ વધતો રહ્યો; વખતીની વ્યગ્રતા વધતી રહી.

બાળકી જે પેટીમાં પુરાયેલી હતી, એ પેટી લગભગ આખી જ ખીલાઓ વડે વિંધાઈ ગઈ હતી. શું થયું હશે ચમેલીનું ? એ નિર્દોષ છોકરી પણ વીંધાઈ ગઈ હશે કે શું ? આ તીક્ષ્ણ ખીલાઓ ખાઈને એ કુમળી બાલિકા ચાળણીની જેમ ચળાઈ ગઈ હશે ? ભચડો એના જાદુમંતરથી મૃત પુત્રીને સજીવન કરશે ? કે પછી એણે નજરબંધી વડે ચમેલીને તો ક્યાંક અલોપ જ કરી દીધી હશે ને પેટી સાવ ખાલી જ રાખી હશે ?

આ રોમાંચક દૃશ્ય જોઈને સંતુને હૃદયના ધબકારા વધી ગયા હતા; એની આંખો ડઘાઈ ગઈ હતી.

ભચડાએ આઠમો ખીલો ઉપાડીને યંત્રવત્ પેટીમાં ભોંક્યો અને સંતુ એક તીણી ચીસ સાથે જમીન પર ઢળી પડી.

રંગમાં ભંગ પડ્યો. પ્રેક્ષકોની નજર પેલી નેતરની પેટી પરથી પાછી ફરી સંતુ તરફ વળી.

હરખે ચોંપભેર સંતુને બેઠી કરી; એણે તો ફરી માથું ઢાળી દીધું, તેથી રસ્તા વચ્ચે જ હરખે પુત્રીને પોતાના ખોળામાં લીધી.

‘પાણી છાંટો, પાણી છાંટો !’ ના પોકારો થઈ રહ્યા.