આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આશાતંતુ
૨૬૩
 

 ફરતી, ને સોનાની દાણચોરીના ધંધા કરતી—’

‘ને આવતાંવેત સમજુબા હાર્યે સહીપણાં–બેનપણાં કરી નાખ્યાં છે. એટલા ઉપરથી જ હધું ય સમજી જાવ ની ? સોનાના વેપારમાં ઠકરાણાંનો ને અમથીનો આઠ આઠ આની અરધિયાણ ભાગ છે—’

વલ્લભે એક ભેદી બાતમી આપી એ સાંભળીને લોકો તાજુબ થઈ ગયાં. એણે કહ્યું કે પેલું ‘દલ્લ્લી દેખો’વાળું દેશી સિનેમા તો અમથી દેખાવ ખાતર લઈને ફરતી. એની પેટીનું આખું પતરું સોનાનું હતું, ને અંદર બેવડાં પાટિયાના પોલાણમાં ઠાંસોઠાંસ લગડી ભરી હતી. નથુ સોનીએ રાતોરાત ઉજાગરા કરીને આ બધું ઓગાળી નાખ્યું, ને શહેરમાં જઈને ચોક્સીની હાટે વેચી ય નાખ્યું.

‘આ અમથી તો સાચે જ ચીંથરે વીંટ્યું રતન નીકળી ! ઈને તો સતીમાના દહેરા ઉપર સોનાનું ઈડું શું, આખેઆખું દહેરું જ સોનાનું ઘડાવે તો ય પોસાય એમ છે.’

‘આ ગિરજો તો સાચે જ લાડકો છોકરો નીકળ્યો ! આ તો સોનાને મૂલે ઘરમાં પડ્યો ગણાય.’

‘આપણા સોનાને મૂલે નહિ, ઓલ્યા અરબસ્તાની સોનાને મૂલે... એટલે સાવ સસ્તો, પાણીને મૂલે જ પડ્યો ગણાય.’

‘ને વળી આ ખોભરું ચડાવીને ધરાતી નથી, ને ઓલ્યું ઈંડું ચડાવવાની વાત કરે છે, ઈ શેની માનતા માની હશે ?’

‘શાદૂળ જેલમાંથી છૂટીને પાછો આવે એની. અમથીને પહેલા ખોળાનો તો શાદૂળ જ ગણાય ને ! ઈ તો આ ગિરજાથી ય વધારે લાડકો—’

આવી આવી વાતો સાંભળીને હવે સંતુની ધીરજ ખૂટી ગઈ. એને થયું : ‘સતીમા સહુને ફળે છે, ને મને કેમ હજી નથી ફળતાં ?’

*