આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જડી ! જડી !
૨૬૭
 

 હાથિયે પાણે પૂગી ગ્યો હશે, ને થોડીક વારમાં તો જીવતો લોચો મોઢામાં ઘાલીને ઉંબરે આવી ઊભો. હું ભજનમાંથી મોડો આવીને જાગતો ખાટલે પડ્યો’તો. ડાઘિયે ભસીભસીને મને ઉઠાડ્યો. જોયું તો ઉંબરે જ આ છોકરી પડી’તી. મેં હાથમાં લઈને ઘરનો આગળિયો ઉઘડાવ્યો. મેં બવબવ સમજાવ્યાં, પણ માન્યાં જ નહિ, મને ખાતરી થઈ ગઈ કે હવે આ પહુ જેવા મૂંગા જીવને જીવવું દોહ્યલું છે એટલે મેં એનો મારગ કાઢ્યો. મોંસૂઝણું થ્યા મોર્ય જ, કોઈ ને કાંઈ વે’મ જાય ઈ પે’લાં જ હું આ છોકરીને લઈને રસ્તે પડી ગ્યો—’

***

થાનક ઉપર તો આનદમંગળ વરતાઈ રહ્યો. હવે ગામનાં દોઢડાહ્યાંઓએ આ બાળકીનાં માબાપની તલાશ માંડી વાળી અને એ નવજાત શિશુને આમ અનાયાસે જ સાંપડી ગયેલી માતામાં જ વધારે રસ લેવા માંડ્યો.

‘સંતુ ! તારી આ ચમેલીનું નામ શું પાડીશ !’

‘ચમેલી જ વળી. નવું નામ ક્યાં ગોતવા જાવું ? ભચડા વાદીની છોકરીને નામે નામ.’ કોઈએ સૂચવ્યું.

‘ના, ચમેલી તો ભચડા ભેગી વાંદરી છે એનું ય નામ બળ્યું છે.’ ઊજમે કહ્યું. ‘અમારે તો હવે કાંઈ નવું નામ ગોતવું પડશે.’

ત્યાં તો હરખઘેલી સંતુ જ બોલી ગઈ. ‘આ થાનકેથી જડી એટલે હવે આનું નામ જ જડી.’

‘હા. જડી... નામ તો મજાનું, ઝટ જીભે ચડી જાય એવું છે.’ ટપુડા વાણંદની વહુ રૂડી બોલી. ‘પણ અજવાળીકાકીની છોડીનું નામે ય જડી છે, એનું શું !’

‘તી ભલે ને રિયું ? અજવાળીકાકીની જડીનું નામ ઈ કાંઈ તાંબાને પતરે લખાવીને લઈ આવ્યાં છે કે એના સિવાય બીજી કોઈની છોકરીનું નામ જડી પડાય જ નહિ ?’