આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જડી! જડી !
૨૭૧
 

 અને આ વિધિવતા ઉપર કેમ જાણે કળશ ચડવાનો હોય, એમ શ્રીનાથજીની મોટી જાતરા કરીને પાછાં આવી રહેલાં અજવાળી કાકી અને એમની જડીના મનમાં ઢોલશરણાઈને ધોળગીતો સમેત સામૈયું યોજાયું. અને હવે ઉન્માદ છોડીને ઉત્સવપ્રિય બનેલી સંતુ પોતાની ‘જડી’ને કાખમાં તેડીને આ સામૈયામાં શામિલ થઈ.

‘મારીરી જડીની ડોકમાં તુળસીની માળા પેરાવવી છે, ને ઠાકરનો પરસાદ ચખાડવો છે.’ સંતુ કહેતી હતી.

ધામધૂમથી યાત્રિકોનાં સામૈયાં થયાં અને પુષ્કળ ધોળમંગળ ગવાયા પછી અજવાળીકાકીની ડેલીએ ગામ આખું પવિત્ર ગંગોદકનું આચમન કરવા તથા તુલસી–ગોપીચંદન સાથે છપનભોગના પ્રસાદની કટકી ચાખીને પાવન થવા એકઠું થયું, એમાં પણ ભાવુક સંતુ પોતાની જડીને કાંખમાં તેડીને ભોળે ભાવે શામિલ થઈ.

જડાવે પોતાની સાથે લાવેલ ગંગાજીની લોટી તથા પ્રસાદ વાટવા માંડ્યા; અને અજવાળીકાકીએ તુલસીની માળાઓ વહેંચવા માંડી.

જબરા જમેલામાં સંતુનો વારો બહુ મોડો આવ્યો. પણ એનો વારો આવ્યા ત્યારે બાળકી જડી પોતાની સગી જનેતાને હાથે ગંગોદક અને પ્રસાદ પામી.

*