આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ ચોત્રીસમું
કોરી ધાકોર ધરતી

સંતુનો ખાલી ખોળો આકસ્મિક રીતે ભરાયો એ જોઈને સમજુબા સમસમી રહ્યાં. જીવા ખવાસની આંખમાં પણ ઝેર રેડાયું. પણ પેલા ભેદી બહુરૂપીઓ ગામમાં આંટો મારી ગયા એ પછી પોતાની વાડીમાં ગેરકાયદે સિક્કા પડાવાની તથા અમથીવાળા દાણચોરીના સોનાની ઘાલમેલ પર સરકારનો ડોળો છે એવો વહેમ આવતાં ઠકરાણાં હમણાં હમણાં સસલાં જેવાં સોજાં થઈ ગયાં હતાં. માથે મોટો ભય તોળાઈ રહ્યો હોવાથી ઠકરાણાં નમીને ચાલતાં હતાં. ગામમાં હવે વિરોધીઓ વધારવાનું એમને મુનાસબ લાગતું નહોતું. પરિણામે ઘણા ય કડવા ઘૂંટડા એમને ગળી જવા પડતા હતા.

જીવા ખવાસની સ્થિતિ પણ સમજુબા જેવી જ વિષમ હતી. પેલા બહુરૂપીઓએ વિવિધ વેશ કાઢીને જ બેસી ન રહેતાં, સાંભળનારને વહેમ આવે એવી આડીઅવળી પૂછગાછ કરેલી; અનેકાનેક અસંબદ્ધ એવી વાતો કરેલી; તખુભા બાપુની અને પંચાણ ભાભાની તબિયતની ખબર પૂછેલી, તેથી જીવો વધારે વહેમાયેલો અને એમાં ય એક વાર તો ખરે બપોરે એ વેશધારીઓ ખીજડિયાળા ખેતરનાં વાડીપડાની લગોલગ આવી ગયેલા ત્યારે તો જીવાને પાકો વહેમ બંધાયેલો કે આ લોકો કોઈ છૂપી પોલીસના માણસો જ છે, અને કૂવાને તળિયે ગોઠવેલા સિક્કા પાડવાના યંત્રની એમને ગંધ આવી જ ગઈ છે. એ તો સદ્‌ભાગ્યે મુખીએ એ બહુરૂપીઓને અભ્યાગત ગણીને ઊઘરાણું કરી આપ્યું, ને પંચાઉ ફાળે ચૂરમાના લાડવા