આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોરી ધાકોર ધરતી
૨૭૫
 

 તો મુનિવરો પણ ચળે; તો દાયકાની આળસને પરિણામે ઘસાઈ ઘસાઈને મુફલિસ થઈ ગયેલાં ઠકરાણાંનું શું ગજું ? સમજુબા પણ આ સુથારણની મબલખ સંપત્તિ જોઈને અંજાઈ ગયાં, એટલું જ નહિ, એ સોનાના ગેરકાયદે વેપારમાં પોતે ભાગીદાર બન્યાં. જોતજોતામાં જ આ બન્ને સ્ત્રીઓ વચ્ચે જે ગાઢ બહેનપણાં–સહીપણાં જામી પડ્યાં એ જોઈને તો જાણકારોએ આંગળાં કરડ્યાં.

હવે બાકી રહી એક સંતુ. જીવા ખવાસે તો એક વાર ઠકરાણાંને સૂચન કર્યું પણ ખરું કે ‘બાનો હુકમ હોય તો ઈ સંતુડીનો બાંધ્યો માળો વીંખી નાખીએ.’ પણ સમજુબા આ ખવાસ કરતાં વધારે સમજુ હતાં. પેલા બહુરૂપીઓ જે ગુપ્ત તપાસ કરી ગયા હતા એમની તલવાર તો માથા પર તોળાતી જ હતી અને એ સ્થિતિમાં ગામમાં વધારે વેરઝેર વાવવાનું એમને હિતાવહ નહોતું લાગતું; અને આટલું જાણે કે ઓછું હોય એમ એક બ્રાહ્મણ ટહેલિયો ગામમાં આવ્યો.

ઉઘાડું ડિલ, ઉઘાડા પગ, કપાળમાં ત્રિપુણ્ડ, લાંબી શિખા અને પૂળોએક દાઢી લઈને આ બ્રાહ્મણે એક સવારના પહોરમાં ‘રામભરોસે’ના આંગણામાં ઊભીને ટહેલ નાખી :

‘ટેલિયા ભામણની ટેલ છે...
ધરતીને મન સહેલ છે...’

ધર્મી લોકોને મન સાવ સહેલું હોવાનું જે એ કહેતો હતો એ માત્ર હજાર રૂપિયાની મામુલી રકમ જ હતી.

બ્રહ્મપુત્ર એક નાજુક ધર્મસંકટમાં આવી ૫ડેલા અને એમાંથી મુક્ત થવા માટે રોકડા હજાર રૂપિયાની જ એમને જરૂર હતી; અને એ ઉઘરાવવા માટે બીજું કોઈ નહિ ને ગુંદાસર ગામ જ પસંદ કર્યું હતું.

ભૂતેશ્વરની આ ધરમશાળામાં ઊતરવાને બદલે ગામની વચ્ચોવચ્ચ, ચોરામાંજ આ ટહેલિયાએ ઉતારો રાખ્યો હતો. વહેલી