આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વહેમના વમળમાં
૧૯
 

 ‘સંતુએ વાટ સળગાવી દીધી.’

‘એલા, તારું તો મોઢું ગંધાય છે !’ શંકરભાઈ ચોંકી ઊઠ્યા. ‘ક્યાંથી પી આવ્યો છે ?’

કાસમે બાતમી આપી કે સાંજને ટાણે મૂળગર બાવાને ઘરેથી ડબલું ઢીંચીને આવેલો, એટલે શંકરભાઈએ મૂળગરને પણ તેડાવ્યો. એની જુબાની નોંધ્યા પછી તેઓ સંતુની જુબાની લેવા ગામ તરફ ઉપડ્યા.

છેક સવારે શુદ્ધિમાં આવેલી સંતુએ ફોજદાર સમક્ષ જુબાની નોંધાવી :

‘માંડણિયે વાટ સળગાવી દીધી’તી.’

બન્ને જુબાનીઓ નોંધ્યા બાદ ફોજદારે લાશ સોંપી અને માંડણને હાથકડી પહેરાવીને શાપર લઈ ગયા.

 ***

સ્મશાનની કાળીભટ્ટ છાપરી તળે હાદા પટેલે પુત્રના શબને અગ્નિદાહ દીધો ત્યાં સુધીમાં તો ગામમાં જામેલું વહેમનું વાદળ ઘણું ઘેરાઈ ચૂક્યું હતું. પાણીશેરડે સ્ત્રીઓ છડેચોક બોલતી હતી :

‘માંડણિયો છૂટીને આવશે કે તરત સંતુ એનું ઘર માંડશે.’

‘અરે, ગોબરના જીવતાં જ સંતુએ તો નાતરે જાવાનું નક્કી કરી રાખ્યું હતું.’

‘મૂળ તો એનું મન શાદૂળમાં જ મોહ્યું’તું પણ શાદૂળિયાને તો જલમટીપ જડી, એટલે હવે માંડણના રોટલા ઘડશે.’

રફતેરફતે ખુદ હાદા પટેલ સુધી આ કાનસૂરિયાં પહોંચ્યાં. લોકવાયકાઓ એવી તો વ્યાપક બની ગઈ હતી કે આ ધીરગંભીર પિતાને પણ ક્ષણભર તો એ અફવામાં થોડું તથ્ય લાગ્યું. પુત્રની હત્યાથી હેબતાઈ ગયેલા હાદા પટેલ પોતાની સંતપ્ત મનોદશામાં સારાસાર તારવી શકવાની સ્થિતિમાં નહોતા, તેથી એમને પણ આ વાયકાઓમાં થોડો વિશ્વાસ બેઠો.