આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન અને મૃત્યુ
૨૯૧
 

 જ નહિ પડવા દઉં —’

‘કાબરીનાં કરમ જ ફૂટેલાં, ને એમાં અજવાળીકાકીનો શું વાંક ?’ ઊજમે કહ્યું.

‘તંયે તમે અજવાળીકાકીને ઓળખતાં જ નથી, ઊજમભાભી ! કામરુ દેશમાંથી કામણટૂમણ શીખી આવ્યાં છે. ઊડતાં પંખી પાડે ઈ માંયલાં અજવાળીકાકી ! મને તો લાગે છે કે સંતુબા ઉપરેય અજવાળીકાકીની નજરું લાગી હશે. પણ તમારે તો સતીમા હાજરાહજૂર રિયાં, એટલે ગગી પાછી જડી રૈ... હવે એક તીખારો મેલી દિયો, તો આટલી ગડાકુ પૂરી કરું.’

‘મર્ય મૂવા !’ ઊજમે કૃત્રિમ રોષથી સંભળાવ્યું. ‘હવે તો આ ચૂંગીમાં તીખારો મેલવાને સાટે તારી દોણીમાં આગ મેલવાનું મન થાય છે.’

‘બાપા ! હું ઘણું ય કઉં છું કે હવે ઉપરવાળો તેડાવી લ્યે તો સારું, પણ માગ્યા મે વરસે નહિ એમ માગ્યાં મોત પણ ક્યાં રેઢાં પડ્યાં છે ?’ કહીને ધનિયાએ પોતાના વિધાનનું સમર્થન કરવા માટે ઉદાહરણ આપવા માંડ્યાં.

‘આ તખુભા બાપુનું કાચું મરણ થઈ ગ્યું, ને ઓલ્યો પંચાણભાભો મહાણે પૂગવા ટાણે ય હજી દરબારગઢમાં ટાંટિયા ઢહડે છે. જીવલે પોતાનો બાપ મરી ગ્યાનું નામ પાડીને તખુભાના મડદાને દેન દઈ દીધું, ને પંડ્યે પંચાણ ભાભાનું સુંવાળું ઊતરાવીને મૂછ મુંડાવી નાખી, પણ ડોહા તો હજી ય અફીણની કાંકરી ચાવીને તણ્ય ટંક ઊટકલ થાળીએ જમે છે રિયો... આ આપણો ગોબરભાઈ જુવાનજોધ હાલી નીકળ્યો, ને ઓલી અમથીને દરિયે પધરાવવા મેલી’તી, એમાંથી જીવતી પાછી આવી !... આ ઓઘડિયા ભૂવાને ભગવાન મોત મોકલે તો બચાડો પિલાતો છૂટે, પણ આ ઘોડાપૂરમાં તણાઈ ગ્યો તો એમાંથી ય જીવતો પાછો નીકળ્યો.’

‘એલા ધનિયા !’ ઊજમે રાંધણિયામાંથી કહ્યું. ‘અટાણના પોરમાં