આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૪
લીલુડી ધરતી–૨
 

 વધામણાં ને વાવણીની ખુશાલીમાં ઘેરઘેરે મિષ્ટાન રંધાયાં હતાં. ધોરીડા શણગારાયા હતા, ગાડાંની ધરીનાં તથા પૈડાંનાં પૂજન થયાં હતાં, શુકનવંતા ધાન્ય-મગ છંટકાયા હતા.

સંતુ-ઊજમે વિભક્ત થયેલી બેલડીમાં એક જ ધોરી શણગાર્યો હતો અને એકને જ કંકુની અર્ચા કરી હતી. હાદા પટેલની યોજના તો એવી હતી કે કોઈ પડોશીને ત્યાં વાવણાં પતી જાય પછી એનો એક બળદ માગી લેવો અને ઓરણી માટે કોઈના સાથીની સેવાઓ પણ ઊછીની લેવી. પણ હાથિયો ગાજતાં હર્ષઘેલી થઈ ગયેલી ઊજમ અને સંતુ આ પારકા સાથીના આગમન સુધી રાહ જોઈ શકે ખરી : સીમમાં ચારેય કોર થઈ રહેલાં વાવણાં નિહાળીને એમણે ય ઓરણી જોંતરી દીધી.

લાજશરમ કે લોકવાયકાઓની લગીરેય પરવા કર્યા વિના, બાળકી જડીને સતીમાના થાનકમાં સુવરાવીને સંતુંએ એક ખૂટતા ધોરીનું સ્થાન થઈ લઈ લીધું અને બીજા બળદની જોડે ચાસને ચીલેચીલે ચાલવા માંડ્યું. પાછળ ઊજમે ઓરણ કરવા માંડી.

ખેતરને આ છેડેથી પેલે છેડે એક આંટો, બીજો વળતો આંટો, ફરી ત્રીજો આંટો શરૂ થયો.

એક ધોરી અને બીજી, ધરિત્રીના જ અવતાર સમી બે અન્નપૂર્ણાઓ ત્રીજો ફેરો હજી તો અરધે પહોંચ્યાં હશે ત્યાં તો શેઢેથી સમૂહગાન સંભળાયું :

ગઢ ઢેલડી મોજાર,
ખીમરાનાં તરિયા પાણી સંચર્યાં હેજી

સંતુ ચમકીને ઊભી રહી. ઊજમને અચરજ થયું. બોલી :

‘આ ખીમરા કોટવાળનું ભજન ક્યાંથી સંભળાણું ?’

સંતુએ કહ્યું : ‘જો એાલ્યા મારગી બાવા શેઢેશેઢે જાય... ઓલ્યા ભૂચર મોરીને મેળે જાવા નીકળ્યા’તા, ને ભૂતેસરમાં રોકાણાં’તા ઈ માંયલા જ લાગે છે—’