આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અને મૃત્યુમાંથી જીવન
૩૦૧
 

સ્થાને જોતરાવું પડ્યું છે ? આ એક જ દૃશ્ય અને આ એક જ પ્રશ્ન દેવશીના હૃદયને હલમલાવી ગયા. ક્ષણાર્ધમાં જ એણે નિર્ણય કરી નાખ્યો. સાચો જીવનયજ્ઞ નિવૃત્તિમાં નહિ પણ પ્રવૃત્તિમાં છે; શ્રેયની સાધના પણ આ શ્રમજીવનમાં છે; માણસને મોક્ષ મળવાનો હોય તો પણ આ ધરતીની માટીમાંથી જ એ મળશે, એનાથી દૂર જવામાં નહિ.

‘ભાઈ ! તેં તો બવ વાટ જોવરાવી કાંઈ !’ દેવશીની હેડીના ભાઈબંધો ફરિયાદ કરી રહ્યા.

‘તારા વિના તો હોળીને દિવસે નાળિયેર રમનારાંની ખોટ પડી ગઈ’તી. પોર સાલ ગોબર ગિરનાર ચડ્યો’તો, પણ પરગામવાળા આપણને હરાવી ગ્યા—’

મુખીએ કહ્યું : ‘હવે ઓણસાલ તો ઓલ્યા દલસુખ શેઠને કે એના વેરસીડાને દેખાડી દયીં કે ગોફણના ઘાની ઘોડ્યે નાળિયેર ફેંકનારો જણ ગુંદાહરમાં આવી ગ્યો છે—’

એ સાંભળીને હાદા પટેલ અધિક ધન્યતા અનુભવી રહ્યા. માત્ર ઠુમરની ડેલીએ જ નહિ, ગામ આખામાં આનંદમંગલ વરતાઈ રહ્યો. એકલા ઠુમર કુળનો જ નહિ, આખા ગુદાસરનો કંધોતર પાછો આવ્યો હોય એવી લાગણી પ્રવર્તી રહી.

***

ઊજમની બધી જ બાધા–આખડીનો અંત આવ્યો. હવે, પતિનું પુનરાગમન થાય તો પગપાળા ગિરનાર ચડીને, અંબામાની સાખે જ મોઢામાં ‘ધોળું ધાન’ મૂકવું એવી બારબાર વરસની લાંબી ને આકડી અગડ પૂરી કરવાની બાકી રહેતી હતી.

દેવશીને આ કઠિન સંકલ્પની જાણ થતાં જ એણે એ બાધા છોડાવવાની ઉતાવળ કરી. વાવણીનાં કામ પતી ગયાં, અને જરા વિશ્રાંતિ મળી કે તુરત આખું કુટુંબ પગપાળા ગિરનાર જવા તૈયાર થયું.