આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ત્રીજું

બે કલંકિની

સંતુના જીવને ક્યાં ય ચેન નથી. દિવસે દિવસે એની સામેના સંશયો વધારે ને વધારે ઘેરા બનતા જાય છે. ઘરમાં એ હરફર કરે છે ને ઊજમ એના તરફ મૂંગી મૂંગી તાકી રહે છે. ખડકીની બહાર નીકળે છે ને પડોશણોની એવી જ મૂંગી નજરના ભાલા ભોંકાય છે. શેરી વળોટીને નાકા સુધી જાય છે, ત્યાં ગામલોકો અર્થસૂચક નજરે એની દેહયષ્ટિને નિહાળી રહે છે...

કોઈ કશું બોલતું નથી, કોઈ કશો સ્ફોટ કરતું નથી, કોઈ મગનું નામ મરી પાડતું નથી; અમારા મનમાં શી વાત ઘોળાય છે એ બાબત તડ ને ફડ કહી દેવા જેટલી કોઈનામાં હિંમત નથી. માત્ર તાતી નજરે સહુ ટગર ટગર તાકી રહે છે.

મોઢેથી મીઠાબોલાં માનવીઓની આંખોમાંથી છૂટતી આવી મીંઢી નજરોનો માર સંતુથી ખમાતો નથી. એ પોતે જાણે છે કે લોકોનાં મનમાં શી વાત ઘોળાઈ રહી છે. તેઓ કયા પ્રકારનું આળ આરોપી રહ્યાં છે એની ય એને જાણ છે. પણ એ વ્યવહારડાહ્યાંઓ એક અક્ષર સુદ્ધાં બોલતાં નથી તેથી સંતુ વધારે નાસીપાસ થાય છે.

ગામના આખા વાયુમંડળે જાણે કે સંતુ સામે કાવતરું રચ્યું છે. ખુદ આબોહવામાં જ પેલા આળની મૌન વાણી વ્યક્ત થઈ રહી છે. કંઈક અગણિત અદૃષ્ટ અંગુલિઓ ચોદિશાએથી એની સામે ચીંધાઈ રહી છે અને એનાથી ય અદકી અગણિત લોકજીભો