આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
લીલુડી ધરતી-૨
 


હજાર માણસની હાજરીમાં ઈ નુઘરીએ સામત આયરનું નામ પાડ્યું—’

‘નામ પણ પાડ્યું ?’ જડીએ અર્થસૂચક પ્રશ્ન પૂછ્યો : ‘સામતકાકાનું ય નામ પાડ્યું ?’

‘મારે સગે કાને સાંભળ્યું ને ! દાઝ તો એવી ચડી કે ઈ નભાઈડીનો નળગોટો જ દબવી દઉં—’

‘બિચારા સામતકાકા !’ જડીએ સહાનુભૂતિયુક્ત ઉદ્‌ગાર કાઢ્યો.

‘કેમ અલી, કાંઈ બવ દયા આવે છે સામતકાકાની ?’

જડી મૂંગી રહી, એટલે માતાએ હરખ પ્રત્યેની દાઝ બધી સામત ઉપર ઢોળવા માંડી.

‘મુવે તારો મનખાદેહ તો અભડાવ્યો, ને હજી એને બિચારો ગણશ ?’

જડી આંખો ઢાળી ગઈ.

‘મહાણિયે તારું જીવતર ધૂળધાણી કરી નાખ્યું... એનું નખોદ જાય...’

‘બિચારાને ગાળ્યું શું કામ દિયો છો ?’ જડી બોલી.

‘ગાળ્ય ન દઉં તો શું એને ચોખા ચડાવું ?’ મતીરો મૂવો ઘરનો જ ઘાતકી નીકળ્યો... તને ભોળીને ભરમાવી—’

‘મને એણે નથી ભરમાવી—’

‘સામતે આયરે નથી ભરમાવી ?’

‘ના.’ કહીને જડી ફરી મૂંગી થઈ ગઈ.

માતાએ ફરી ફરીને પૂછ્યું, ફેરવી ફેરવીને પૂછ્યું, પણ પુત્રી કશો ઉત્તર આપવાને બદલે આંખો વધારે નીચી ઢાળી ગઈ.

‘ઈ સામતાના નામનો તો આજે ઢોલ પીટ્યો ઓલી ટીહલાની હરખીએ. ઈ જોરાળ્યને હવે તો જેલમાં જ પુરાવું. અબઘડીએ જ કાસમા પસાયતાને બરકાવું. ક્યાં ગયા તારા બાપુ ?’

‘ઈ તો કીડિયારું પૂરવા ગ્યા છ ત્યાંથી પાછા નથી આવ્યા.’