આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
લીલુડી ધરતી-૨
 

 કુકર્મની કલ્પનામાત્રથી એમને કમકમાં છૂટ્યાં. પુત્રીએ કરેલો આ એકરાર માતા માટે આશ્ચર્યપ્રેરક હતો, પણ બહુ આઘાતજનક નહોતો. આવી અસાધારણ ઘટનામાં ય એમને કશું અસંભાવ્ય ન જણાયું, તેથી જ, પોતે કશો તીવ્ર પ્રત્યાઘાત રજૂ કરવાને બદલે કેવળ સાહજિક પ્રશ્ન જ પૂછ્યો :

‘આટલા દિ લગણ કાંઈ બોલી કેમ નંઈ ?’

‘કિયા મોઢે બોલું ? મારી જીભ કચડાય—’ કહીને જડીએ નાના બાળકની જેમ માતાની ગોદમાં મોઢું સંતાડ્યું. ગળામાં ક્યારનો બાઝી રહેલો ડૂમો છૂટી ગયો અને મોકળે મને રડવા લાગી.

ખડકીને ઊંબરે ડાઘિયો કૂતરો મોટેથી ભસવા લાગ્યો અને જડી હીબકે ચડી.

અત્યાર સુધી હરખીને બેસુમાર ગાળો ભાંડીને આવેલી, અજવાળીકાકી પીપળના પાન જેવી હવે સાવ શાંત થઈ ગઈ. જાણે કે હોઠ જ સિવાઈ ગયા.

પરવશ શિશુની જેમ માતાના ખોળામાં મોઢું ઘાલીને, જાણે કે પોતાનું કલંક છુપાવવા મથી રહેલી પુત્રીનાં દબાયેલાં ડૂસકાં વચ્ચેથી એથી ય વિશેષ દબાયેલા શબ્દો માતાને હૃદય સોંસરવા ભોંકાઈ રહ્યા :

‘આ તો વાડ... ઊઠીને ચીભડાં ગળ્યાં...’

‘તો પછી આટલા દિ’ લગણ તેં સામતકાકાનું નામ શું કામે લીધા કર્યું ?’

‘સામતકાકે જ મને કીધુ’તુ કે કોઈ પૂછે તો મારું નામ પાડજે—’

‘સામતકાકે સામેથી કીધું’તું ? પોતાનું જ નામ પાડવાનું ?’

‘હા—’

‘શું કામ ?’

‘તને જાણ્ય થઈ જાય ઈ પહેલાં હું ગળે ફાંહો ખાવા ગઈ’તી, પણ આપણું સીંચણિયું હિંડોળાના કડામાં સરખુંથી સલવાણું નહિ.