આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે કલંકિની
૩૩
 

 પછે હાટમાં બાપુ બાર ગ્યા ઈ ટાણે બરણીમાંથી તેજાબ પીવા ગઈ, પણ સામતકાકા ઓચિંતા ઊંબરે ચડ્યા ને મને ભાળી ગ્યા. હંધી ય વાત પૂછી, કારણ પૂછ્યું કે મારાથી કાંઈ છાનું ન રખાંણું. બળતે પેટે મારાથી બાપુનું નામ પાડી દેવાણું. સામતકાકે મને હૈયારી દીધી. તેજાબની બરણી માંડ્ય ઉપર પાછી મેલાવી દીધી ને કોલ કીધો કે ‘તું ગમે તેમ કરીને જીવતી રૈશ તો તારા પાપનું પ્રાછત હું લઈ લઈશ. મેં કીધું કે જીવતી રૈને માને મોઢું નહિ દેખાડી શકું. સામતકાકે કીધું કે અજવાળીભાભી પૂછે તંયે કે’જે કે આ પાપ સામતકાકાનું છે. જેણે તને જલમ દીધો ઈ સગા બાપનું નામ વગોવીએ ઈ નો શોભે—’

‘સાચે જ ? સામતકાકે પારકું પાપ ઓઢી લેવાનું કીધું ?’

‘એણે ઓઢી જ લીધું. બોલ્યા, આ મારો દેવીપૂરતનો કોલ સમજજે. ચારણના જેવી જ આ મારી આયરની ખેાળાધરી છે.’ કહીને જડીએ મોઢું ઊંચું કર્યું: ‘આ તે દિ’ની મારે હૈયે ધરપત થઈને જીભ કરડીને મરી જવાનો વિચાર માંડી વાળ્યો. સામતકાકો કહી ગયા કે તને વપત્ય પડે તંયે મને વેણ કેવરાવજે. ખોટે કેવરાવીશ તો ય સાચે આવીને ઊભો રૈશ ને તારી વપત્ય ટાળીશ.’

‘અરરર ! સગે બાપે ઊઠીને તને વખ ઘોળવવા જેવું કર્યું ને ઓલ્યા પારકા સામતકાકે તારી રખ્યા કરી ?’ હવે વેદના ઠલવવાનો વારો માતાનો હતો : તારા બાપુનો શભાવ મૂળથી જ હું સારી પટ જાણું. પેટની જણી દીકરી ઉપરે ય જેની કુડી નજર ઊતરે એને માણહ કે’વાય કે ઢોર ?’

કીડીઓને જીવતદાન આપવા અર્થે કીડીયારું પૂરવા ગયેલા પિતાની ગેરહાજરીમાં કલંકિની પુત્રી જ્યારે માતાને ખોળે માથું મૂકીને હીબકાં ભરી રહી હતી ત્યારે ઠુમરની ખડકીમાં એવી જ એક બીજી કલંકિની સંતુ પોતાની જેઠાણીને કહી હતી :