આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારું જીવતર લાજે !
૩૯
 


ટુકડા થઈ ગયા હતા. ગુંદાસરને વર્ષો સુધી મનોરંજન પીરસી ગયેલ. ગ્રામોફોનની ‘સંતુ રંગીલી’, ‘ભારી બેડાં’, ‘ચંદન હાર’, જેવી કુડીબંધ ચૂડીઓના ચૂરેચૂરા થઈ ગયા હતા. સમગ્ર હૉટેલના દીદાર, કોઈ દારુણ જંગ ખેલાઈ ગયા પછીના રણમેદાન જેવા થઈ ગયા હતા.

‘વોય રે... વોય માડી રે...’ છનિયો રઘાના કપાળ પરની ફૂટમાં હળદર ભરતો હતો ત્યારે પીઢિયા જેવો ખડતલ ૨ઘો નાના બાળકની જેમ વોયકારા કરતો હતો.

‘રે’વા દે, રે’વા દે ! માલીપા બાટલીના કાચની કણી રૈ ગઈ લાગે છે.’ રઘાએ છનિયાને હળદર ભરતો અટકાવ્યો. ‘ટપુડાને બરક્ય, ટપુડાને.’

તુરત છનિયો વાઢકાપવિદ્યા અને દેશી ડ્રેસિંગકલામાં નિષ્ણાત ગણાતા ટપુડા વાળંદને તેડવા દોડ્યો.

ઈશ્વરગિરિએ રઘાના વહેતા જખ્મ પર હાથ ફેરવ્યો. હાદા ઠુમરે કણસી રહેલા ગિરજાપ્રસાદને સાંત્વન આપ્યું. અણધારી ભજવાઈ ગયેલી આ તાણ્ડવલીલા પ્રત્યે સહુ પ્રેક્ષકો દિલસોજી દાખવી રહ્યા.

જીવા ખવાસે દાવ તો આબાદ યોજ્યો હતો. એક જ કાંકરે બે-ત્રણ પક્ષીઓ મારવાની એની નેમ હતી, આમે ય પોતે જેલમાંથી છૂટી આવીને ‘રામભરોંસે’ હોટેલ શરૂ કર્યા પછી અંબાભવાની એની આંખમાં કણાની જેમ ખૂંચી રહી હતી. રઘો આજસુધી સમજુબા ઠકરાણાનો કૃપાપાત્ર હતો, પણ અમથી સુથારણ હજી ગારદ નથી થઈ પણ જીવતી છે એ હકીકત જાણ્યા પછી રઘા પરની ઠકરાણાની કૃપા ઓસરી ગઈ હતી. બીજી બાજુ; જીવા ખવાસે તાજના સાક્ષી બનીને કરેલા ખૂટામણ પછી ઠકરાણાં એનું મોઢું પણ નહિ જુએ, કદાચ એ ખવાસને ગામમાંથી ઉચાળા ભરાવશે એવી જે વ્યાપક ધારણા હતી, એ સાવ ખોટી હતી. ઉલટાનો, દરબારની ડેલી જોડેનો જીવાનો ઘરોબો તો, અગાઉના કરતાં ય અદકો વધી ગયો હતો. એનો