આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ પાચમું

પાપનું પ્રક્ષાલન ?

જુસ્બા ઘાંચીએ એના મુડદલ જેવા ઘરડા બળદને પૂંછડું આમળીને ડચકાર્યો અને નરસી મે’તાની વેલ્ય જેવો ખખડી ગયેલો એકો ઓઝતમાં ઊતર્યો ત્યારે કાંઠે ઊભેલાં સહુ લોકોને લાગ્યું કે રઘો મહારાજ હાથે કરીને મોતના મોઢામાં જઈ રહ્યો છે.

‘ઊંટ મરવાનું થાય તયેં મારવાડ ઢાળું મોઢું કરે.’

‘પંડ્યે એકલોલે મરતો હોય તો તો ભલેની મરે ! વાંહે ઓલ્યા ખોળે લીધેલા સિવાય બીજું કોઈ લોહીનું સગું રોવાવાળું નથી. પણ આ તો ભેગાભેગો જુસ્બા ઘાંચીને ય મારશે તો વાંહે એની એમણી ઘાંચણ સાવ નોંધારી થઈ જાહે—’

‘જસ્બો શું કામે ને મરે ભલા ? જીવા ખવાહને તો રઘા ઉપર વેર છે; જુસ્બા ઉપર ઝેર થોડું છે ?’

‘ઈ તો હંધીય આંયાં બેઠાં વાતું થાય. બાકી ઓલી જામગરીવાળી જોટાળીમાંથી ધડેડાટ કરતી ધાણી ફૂટવા મંડે તંયે માલીપાથી વછૂટતી ઓલી કાકી કાંઈ નામ પૂછવા રોકાય કે, ભાઈ ! તારું નામ રઘલો છે કે જુસ્બો ! ઈ તો સડેડાટ છાતી સોંસરવી નીકળી જાય ને ભલભલાનાં ઢીમ ઢાળી દિયે.’

‘અરરર ! તો તો આ ઘાંચલો જાહે ઘીંહોડાં ફૂંકતો....’

પણ એને રેંકડામાં પાલો ભરવાને સાટે રઘાનો ફેરો બાંધવાની કમત્ય ક્યાંથી સૂઝી ? આ તો સૂકા ભેગું લીલું ય બળી જાહે !’