આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
લીલુડી ધરતી–ર
 

 ‘એલા, મેં દેશદેશાવરના દરિયા ડોળી નાખ્યા છે.’ ગાડીવાનને હિંમત આપવા રઘાએ પોતાની અતીત આત્મકથાનો એક અંશ કહી સંભળાવ્યો. ‘કાળી રાત્રે ધડાકાભડાકા કરીને આગબોટુંના જાંગલા કપ્તાનુંને હાથજીભ કઢવી છે, ઈ આવાં કાંટિયાં વરણથી ગભરાઈ જાઈશ ?’

થડકતી છાતીએ શાપરનું પાદર છાંડીને જુસ્બાએ એકો ગુંદાસરને કેડે ચડાવ્યો ત્યારે પણ એ ભય વ્યક્ત કરી રહ્યો હતો :

‘બાપા ! તમારી વાત હંધી ય સોળ આની સાચી, પણ સામાવાળા છે હથિયારવાળા, ને આપણે છંયે સાવ હાથેપગે—’

‘એલા જુસ્બા ! હથિયારુંની વાતું કરીને હવે મને બવ તપવ્ય મા ભલો થઈને—’

‘તપવતો નથી, પણ આમાં તો પહેલો ઘા રાણાનો ગણાય. સામાવાળા પરથમ ઘોડો દબાવીને ભડાકો કરી નાખે તો પછેં આપણે સાવ હાથેપગે ને હથિયાર વનાના માણહ શું—’

‘એલા, કંવ છું કે હથિયાર હથિયાર કરીને હવે મને વધારે તપવ્ય મા ભલો થઈને ?’ કહીને રઘાએ કરડાકીથી પૂછ્યું :

‘બોલ્ય, તારે હથિયાર જોવું છે ?’

જુસ્બાએ કુતૂહલથી ડોકું ફેરવીને પછવાડે નજર કરી.

રઘાએ એકામાં બિછાવેલા ખડ તળેથી હળવેક રહીને પોતાનો ખડિયો છોડ્યો અને એમાંથી એક શસ્ત્ર બહાર કાઢ્યું.

‘હેં ?... હા... હેં !’ જુસ્બાની આંખો ચાર થઈ ગઈ. રઘાબાપા, આ અટાણ લગણ ક્યાં સંતાડી’તી ?’

‘એની તારે શી પંચાત ?’

‘પણ આ કંઈ ભાત્યની બંધૂક ! આ ઈંગરેજવાળી છે કે પછી આફ્રિકેથી ભેળી લેતા આવ્યા’તા ?’

‘એલા તારે બંધૂકથી કામ છે કે એની નાત્યજાત્યથી ? તારે મમ્ મમ્‌નું કામ છે કે ટપ ટપનું ?’