આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ છઠ્ઠું
ભવનો ફેરો ફળ્યો


અજવાળી ત્રીજ તો ઊગ્યા ભેગી જ આથમી ગઈ હતી. જડેસરને વોંકળે પહોંચતાં તો કાજળકાળું અંધારું જામી ગયું હતું. પણ હવે જુસબને પેલા નાકાં વાળીને બેઠેલા બોકાનીબંધાઓની બીક નહોતી. રઘાના વ્યક્તિત્વનું એક નવું જ પાસું જોવા મળ્યા પછી આ ગરીબ ગાડીવાનને હૈયાધરપત મળી ગઈ હતી. હવે તો, એને હૈયે એક જ ઉચાટ હતો : ઝટપટ ઘેર પહોંચીને પોતાના નવજાત પુત્રનું મોઢું જોવાનો.

ચોગરદમ ચસોચસ ભરેલા અંધકાર વચ્ચે રઘાના હૈયાની આંખ ઊઘાડી હતી. અદાલતમાંથી જુબાની દરમિયાન ફૂટેલી અંતરસરવાણીએ એના હૃદયનાં સ્તરોને ઉપરતળે કરી નાખ્યાં હતાં. અંતર્મુખ બનીને વિચારતાં વિચારતાં એકાએક એણે ‘અંબાભવાની’માંના ધિંગાણાં વિષે કહ્યું :

‘ભાઈ ! ઈ ટાણે આ હથિયાર હાજર નો’તુ ઈ જ સારું થ્યું, જુસબ !’

‘કેમ ભલા ?’

‘હાજર હોત તો મારો હાથ કાબૂમાં ન રે’ત, ને ઠાલાં મફતનાં બે-ચાર ઢીમ ઢળી પડત—’

‘મર ની ઢળતાં ? ઈ જ લાગનાં હતાં ઈ રામભરોંસેવાળાં—’

‘ના ના, ઠાલું મારે માથે બે-ચાર નવી હત્યાનું પાતક ચડત–’

‘ઈ તો હાથે કરીને હત્યા કરાવવા જ આવ્યાં’તાં—’