આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
લીલુડી ધરતી-૨
 


કારણ શું ?’

‘શું ?’ જુસબે સામું પૂછ્યું

‘એનું કારણ સતીમાનું સત, બીજું શું !’ કહીને રઘાએ ઉમેર્યું; ને ઓલી સંતુ છે ને, ઈ આ સતીમાનો અવતાર છે એમ સમજજે... અટાણે ભલે એનાં સતનાં પારખાં થતાં હોય પણ ઈ પારખાં કરનારાના હાથ અંતે હેઠા પડશે એટલું યાદ રાખજે—’

અત્યારે ભેંકાર ગણાતી ઈદ મસીદાળી નેળ્યમાં એકો ઊતરી રહ્યો હોવાથી જુસબના કાન સરવા બનીને આજુબાજુમાંથી ઊઠતા સંભવિત પડકારો ઝીલવા માટે મંડાયા હતા તેથી એ હોંકારો નહોતો ભણી શકતો, પણ પોતાનો હૈયાભાર હળવો કરી રહેલા રઘાને તો અત્યારે આવા હોંકારાની ય ક્યાં જરૂર હતી ? પોતાનું જ અંતર પ્રક્ષાલન કરી રહેલ એનો પ્રલાપ તો અવિરત ચાલુ હતો :

‘અસ્ત્રીનો અવતાર તો લીલુડી ધરતી જેવો છે... એની ઉપર શિયાળે બાળીને ભડથું કરી મેલે એવાં હિમ પડે, ચોમાસે બારે ય મેઘ ખાંગા થાય, ને કાળે ઉનાળે બાળી નાખતા તડકા તપે તંયે એના દીદાર જોનારની આંખમાં લોહી આવે; પણ અંતે તો ઈ જ ધરતી વળી પાછી લીલીછમ થઈને લહેરાઈ ઊઠે તંયે આપણી જ આંખ ઠરે...’

એકાની ખોડંગાતી ચાલ બદલી ગઈ અને એકાએક સમથળ જમીન પર સુંવાળી ચાલે ચાલવા લાગ્યો, ત્યારે જ રઘાને ખ્યાલ આવ્યો કે ખેતરાઉ ગાડાંમારગની ખડબચડી જમીન પૂરી થઈ ગઈ છે અને હવે એકાનાં પૈડાં તળે ઓઝતની ઝીણા મગ જેવી વેકૂર પિલાઈ રહી છે.

‘એલા તેં તો પાદરમાં પોગાડી દીધા ને શું ?’

‘કોઈ આડોડિયાએ આંતર્યા નઈં એટલે તો પોગી જ જાયીં ને બાપા !’ જુસબે છૂટકારાનો દમ ખેંચતાં કહ્યું.