આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ નવમું
અજાણ્યાં ઓધાન

સંભવિત અપરાધી અંગે અનુમાનો થવા લાગ્યાં. કર્ણોપકર્ણ મુખીને કાને ત્રણચાર નામ તો આવી પહોંચ્યાં. તુરત તેઓ બોલી ઊઠ્યા :

‘ના ના, આમાં તો કોક નવાણિયું કુટાઈ જાય. લ્યે લાલો ને ભરે હરદા જેવું મારે નથી કરવું. ભૂવા ! માને પગે લાખીને ચોખ્ખું ફૂલ નામ જ પડાવો ની !’

તુરંત ઓઘડભાભાએ ડાકલું એક બાજુ મૂકી દીધું ને પોતે ઘૂઘરિયાળાના ચરણકમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણિપાત કરી નાખ્યા.

‘હું તમારો ગોઠિયો. તમે મારા પંડ્યમાં હાજરાહજૂર... હવે ઝટ નામ ભણી દિયો... ઈ બેજીવવાળીનું એંધાણ ?’

‘એંધાણ ? એંધાણ એક જ... એના ઓદરમાં પારકાં ઓધાન–’

સાંભળીને ઓઘડભાભો પોતે જ જાણે કે અવાક્ થઈ ગયો. ભવાનદાની આંખો ચાર થઈ ગઈ. શ્રોતાઓમાં સન્નાટો છવાઈ ગયો...

‘મારા થાનક ઉપર પારકું ઓધાન ઊતર્યું ને હું અભડાણી !’

શ્રોતાઓ ગભરાતાં ગભરાતાં કાનસરિયાં ચલાવી રહ્યાં :

‘ગોબરિયાની બાયડી જ, બીજી છે કોણ ગામને ટીંબે ?’

‘હવે સમજાણું, હાદો પટેલ શું કામે માનાં દર્શને નથી આવ્યા ઈ ?’

‘શું મોઢું લઈને આવે ? બે આંખ્યવાળું સૌ જાણે છે કે સંતડીને માંડણિયાનાં ઓધાન—’