આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હતી કે પોતાના સ્નેહીને પોતાનું દુ:ખ રડી દુ:ખી કરવા ? ભલે પોતે એક જ દુ:ખ વેઠે એવી ભક્તિપૂર્વક એ મારૂં લખવું છે. તમારા એકે પત્રનો હું અર્થ સમજી નથી એમ છે જ નહિ. વળી તમે આગળથી જ લખો છો કે 'હું તો વિરાગી છું' ભલે તમે વિરાગી રહ્યા, હું તો ચાહું છું કે તમારા જેવા વિરાગી વસ્તીમાં ન રહે ને અરણ્યમાં રહે તો વધારે સારું કે જેથી મારા જેવી અર્ધબળીઓને એવા વિરાગીનાં દર્શન ન થાય. આખી દુનિયામાં પ્રેમના પ્રવાસી થઈ ફરો છો, 'પ્રેમ, પ્રેમ,' એવું શીખવવાનું ગુરુપદ ધારણ કરો છો તો તમે પોતે કેટલા પ્રવીણ છો તે તો કહો ?

જુઓ કે હજુ મારે ને તમારે પત્રવ્યવહાર શિવાય બીજો કશો સંબંધ નથી અને તમારા જેવા ક્રૂરનો સંબંધ હું ઇચ્છતી નથી... આખા જગતની ને ઈશ્વરની એ સૌની આશા તોડીને તમારા પછવાડે મારો ભવ બગાડું તેથી મને શું સુખના ઢગલા ઉપર તમે બેસાડવાના હતા ? હું કાંઈ તમને દોષ દેથી નથી કે તમે મને કોઈ પણ બાબતસર ભોળવી... પછી જો તમારૂં મન નહિ દેખું તો આશા નહિ રાખું તથા મારૂં મન પણ મારે સ્વાધીન કેવું નથી રહેતું તે જોઈશ. કદિ મારી બેદરકારી તમે કરો છો એવા નિશ્ચય બાદ પણ જો મારૂં મન નહિ કહ્યું કરે તો પ્રાણ ત્યાગ કરીશ પણ તમારા જેવા કઠોરનું જીવતાં મોં તો નહિ જ જોઉં–

♣♣


પત્ર ૧૦
રા. રા.
તા. ૪-૯-૮૫
 

આપનું પ્રથમ પત્ર આવ્યું ત્યારે પ્રેમ વગર બીજું કાંઈ લખતા જ નહોતા, બીજામાં નીતિ વિશે જરા લખ્યું હતું પણ પ્રેમની શ્રેષ્ઠતા હતી. ત્રીજામાં પ્રેમનું ખંડન કરીને તેને સાતમે પાતાળ મોકલી તેને બદલે 'પરમજ્ઞાન !' 'પરમાત્મા' ને એવી એવી સ્થાપનાઓ થઈ. તેમાં છેલ્લી વારે સંસ્કૃત લખીને તો પ્રેમને બાપડાને પાતાળમાંથી કાઢી આકાશમાં કનકવો કરી ચગાવી મૂક્યો કે પાછો આવે જ નહિ!...

હજુ પણ હું તો કહું છું કે તમો સરખે સરખા મારા પ્રત્યે રહેનાર નથી. તમને કાંઈ સહજ મોહ છે તે પણ સાડા ત્રણ દહાડા રહેનાર છે પછી હું તમારે માટે મચ્છ તરફડે તેમ તરફડીશ તો પણ સંભાળ લેનાર નથી.

તમે પુરૂષ થઈ નીતિને ફલાણું ને ઢીકણું જોવા બધા ઉપર મમતા રાખો