આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
માબાપોને
 

નથી, કે તેવા પુણ્યને માટે તમે મારતાં હો ! પણ ઘણી વાર તમે કંટાળી જાઓ છો તેથી તેમને મારો છો. કેટલાંક કોઈ બીજાની દાઝે બાળકને મારે છે, અને રીસ ઉતારે છે; કેટલાંક પોતાની આળસે શરીર ન ચાલે માટે મારે છે; કેટલાંક ઘડી ઘડીમાં મિજાજ ખોઈ બેસે છે તેથી મારે છે. પોતે મજામાં રહેવાની મરજીને લીધે અને પોતાની નિર્બળતાને લીધે પણ કેટલાંક બાળકોને મારે છે. બાળકો કંઈ કંઈ માગીને તકલીફ આપે તે લાવવાના ભારથી અને તે જમવા માગે, રમવા માગે, પાણી માગે વગેરે અનેક જોઈતી ચીજ માગે ત્યારે પોતાને કામ કરવું ગમે નહિ અને બાળકનું જોઈતું પરાણે કરવું પડે, માટે તેને મારે છે.

પણ બધાં માણસો બાળકને મારવામાં મોટી ભૂલ કરે છે. કેટલીક વાર બાળકની હઠ ગણીને, ભણવા નહિ જવા માટે, તે કાંઈ માગે ત્યારે આપણે ગુસ્સે થઈને તેને મારીએ છીએ. પણ આપણે સમજતાં નથી કે બાળકને તેની મરજી મુજબ કરવાની ઇચ્છા હોય છે; તેને પણ જીવ છે અને તેને પણ ઇચ્છા છે ! તે કદી પણ મારથી સુધરતું નથી. અમે બાલમંદિરમાં આવતાં કેટલાંક બાળકોને પૂછીએ છીએ કે “તમને તમારી બા મારે છે ?” ત્યારે જેમને તેમની માતાઓ મારે છે તેઓ તો શિયાવિયા થઈ જાય છે. કેટલાંક તો કહે છે કે “અમારી બાને કહેશો મા, નહિ તો અમને વધારે મારશે.” આવાં બાળકો મોટાં થઈ પરણીને જુદાં થાય, ત્યાર પછી તેમને માબાપ ઉપર શાનું હેત રહે ? આવી સ્થિતિ ઘણે ઠેકાણે જોવામાં આવે છે તેનું એ જ કારણ હોય છે. માટે કોઈ પણ કારણસર, ગમે તેવો બાળકનો વાંક જણાય તોપણ, લાખો રૂપિયાનું નુકસાન થઈ જાય તોપણ, બાળકને મારવું નહિ.

મારવાનું કામ તો કસાઈનું છે, ઘાતકીનું છે. મારવાથી તો