આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
માબાપોને
 


મારથી હિંસા થાય છે. બાળક નિસાસા મૂકે છે અને બાળકના નિસાસા તો ઘરને બાળી નાખવા સમર્થ છે. માટે બાળકની આંતરડી કદી પણ દૂભવવી નહિ. તેમના નિસાસા અત્યંત ભૂંડા છે. મને એક શાસ્ત્ર જડી ગયું છે અને મને ખબર પડી છે કે જેમને પુત્રો જોઈતા હોય તેમણે કદી પણ છોકરાંને મારવાં નહિ; કાયમ સૌભાગ્ય જોઈતું હોય તો તેમને મારવાં નહિ. દાન કરવાથી, તપ કરવાથી, ઉપવાસ કરવાથી, વ્રત કરવાથી, જાત્રા કરવાથી : એ બધાથી પુણ્ય મળે છે એમ તો તમે જાણો છો; તેવી જ રીતે જો કદાચ છોકરાંને મારવાનો ગુસ્સો ચડી જાય તો તેને અટકાવવાને તપ કરો, તો તે તપ ઘણું મોટું છે. ગુસ્સાને અટકાવવાના તપથી એટલું તો મોટું પુણ્ય થાય છે કે એ પુણ્યથી તમને દીકરા દીકરી અને ધણીનો અમરપટો ધનવૈભવ એ બધું પ્રાપ્ત થાય. માટે આપણા ઘરમાં આવેલ એ નાના દેવોને કદી પણ દૂભવો નહિ. તમે મને પૂછશો કે તમારે છોકરાં છે તેનું ઘરમાં શું થાય છે? તો હું તમને કહું છું કે મારા ઘરમાં મારની વાત તદ્દન બંધ કરી દીધી છે. હું તો કદી મારું જ નહિ; પણ મેં મારા ઘરમાં પણ એવી જ સૂચના આપી દીધી છે અને તે અમલમાં આવે છે. મને પણ ગુસ્સો ચડી જતો, હાથ ઊપડી જતો; પણ તે અટકાવવા માટે ભારે તપ કરવું પડ્યું છે. આજથી નિયમ લો કે જ્યારે ગુસ્સો ચડે કે બાળકને હાથ અડકાડી જવાય તો ઉપવાસ કરવો. એમ કરવાથી તમારી ગુસ્સાની ટેવ કે મારવાની મરજી નાબૂદ થઈ જશે.