આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકોની ગંદી રમતો
૧૩૩
 

ચલવે માટે બધું ખુલ્લું જ ચાલે તેવી વ્યવસ્થા માબાપોએ રાખવી. બાળકો કઈ રમતો રમે છે તે વારંવાર જોયા ને જાણ્યા કરવું. આડોશપાડોશમાંથી કોણ કોણ છોકરાં આવે છે તે જોતાં રહેવું; બહુ મોટાં બાળકો છેક નાનાં સાથે ભેળાવા ન દેવાં. સરખાં બાળકોમાં પણ જે બાળકો એકાંતમાં જઈને વાતો કરવાનું કે છુપાઈને રમવાનું કહે તેમને રજા આપી દેવી. પ્રથમ તેઓ એકાંત શોધશે, પછી ગુપ્તપણે રમશે ને છેવટે ગુપ્ત ગંદી રમતો રમશે. આ બધાંનું પ્રથમ પગલું એકાંત શોધવું એ છે. બગડેલાં બાળકો એકાંતનો અર્થ સમજે છે. બીજા કોઈ જાણી કે જોઈ ન જાય તેની પહેલેથી કાળજી રાખે છે. અમુક તો આપણાં સગાંસંબંધીઓ છે એમ માનીને ચાલવું નહિ, તેમ તેમના ઉપર અવિશ્વાસની નજરથી જોઈ તેમને ગભરાવવાં નહિ. છતાં તેઓના ઢંગ ઉપરથી તેમને ઓળખી કાઢી તેમને આપણાં બાળકોથી દૂર કરવાં જોઈએ; અને તેમ કરવામાં ખોટી શરમ કે સંકોચ ન જોઈએ. એવાં બાળકોને રજા આપી દેવી. આપણાં બાળકોને કહી દેવું કે આપણે તેની સાથે નથી રમવું. અને ગંદાં બાળકોનાં માબાપોને પણ ચેતવણી આપવી. આપણાં બાળકો ના પાડ્યા છતાં ગંદાં બાળકો સાથે રમવા દોડે અગર આગ્રહ રાખે તો આપણે તેની અટકાયત કરતાં મૂંઝાવું નહિ. તે બાબતમાં બાળકોને કહી છોડવું કે ગંદા બાળકો સાથે રમવાનું ઠીક ન ગણાય; પણ એ વાત ગળે ન ઊતરે તો અટકાયત કરવી, અને તેની સાથે જ બાળકોના હાથમાં અનેક સુંદર એવી પ્રવૃત્તિઓ મૂકી દેવી. માત્ર અટકાયત કરવાથી બાળકો લુચ્ચાઈ કરી નાસી છૂટશે અને આપણને ઠગીને ધાર્યું કરશે; એટલું જ નહિ પણ બમણા જોરથી બદીમાં પડશે અને પાડશે.