આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોને
 


અને આપણે તેને કેવી રીતે મદદ કરીએ, તેની વિકાસ કરવાની રીત શી છે અને આપણે તે રીતમાં કેવી રીતે આપણું સંરક્ષણ અને સહાય આપવી વગેરે. આપણે જાણવું જોઈશે કે બાળક કેવા પ્રકારની શક્તિ સ્વતઃ ધરાવે છે, કેવી જાતનું શિક્ષણ માગે છે, કેવી જાતનો મનોવિકાસ ચાહે છે. આપણે જાણવું જોઈશે કે બાળકની કલ્પનાશક્તિ, ક્રિયાશક્તિ, પ્રેરણા, સ્વયંચેતના વગેરે કેવાં છે અને કેટલાં છે. આ બધું આપણે જાણવું જોઈશે. આને લોકો માનસશાસ્ત્ર કહે છે. આ માનસશાસ્ત્રના બાલશિક્ષણને લગતા સામાન્ય સિદ્ધાંતોનું જ્ઞાન હરેક માતપિતાને અવશ્ય જોઈએ જ. આ માટે તેમણે ચોપડીઓ વાંચવી જોઈએ; બાળઉછેરની શાળાઓ અને ખાનગી ઘરોની મુલાકાત લેવી જોઈએ.

બાળક વિષેના આપણા અનેક વહેમોને માબાપે શુદ્ધ કરવા જોઈશે. નવો યુવાન અને યુવતી પણ જૂના વહેમ અને ચીલે બાળકોને ઉછેરશે તો દુનિયાને આગળ વધવાની આશા છે નહિ. યુવાન અને યુવતી પોતાને આગળ વધેલાં માનતાં હશે તો પણ તેમનો તે ભ્રમ લાંબો વખત ટકશે નહિ.

બાળઉછેર અને શિક્ષણના વહેમો અનેક છે. માતાની કે દેવની માનતામાંથી યુવાન-યુવતી કદાચ છૂટ્યાં હશે, પણ બાળકોને ઉછેરવાની જંગલી કુરૂઢિઓમાંથી બચવું મુશ્કેલીભર્યું છે. અને તે જ રૂઢિએ નવાં માબાપો બાળકોને ઉછેરવા નીકળશે. તે વખત આવે તે પહેલાં તેઓ જ્ઞાનપૂર્વક સમજી લે કે બાળકો પોતાની મેળે વિકસનારી અદ્ભુત ચેતનશક્તિઓ છે.

બાળકનો જીવાત્મા સ્વતંત્ર છે અને પોતાના નિશ્ચિત ધ્યેય તરફ તે ધસવા માગે છે. તે આપણી પાસે પોતાના ઈષ્ટ કાર્ય માટે પરિસ્થિતિ માગે છે, નિર્વિઘ્નપણું માગે છે.