આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
માબાપોને
 


તમે વિલાસ માટે પાપી જાગરણ કરો છો તેની કિંમત કે બાળકના નિર્દોષ આનંદ માટે પવિત્ર જાગરણ કરો તેની કિંમત ?

બાળાગોળી આપીને એને શું કામ સુવરાવો છો ? તમારા આનંદમાં આડે આવે છે તે માટે ?

આરામ અને વિલાસ માણવા હતા તો બાળક મેળવવા તમને કોણે કહ્યું હતું ? કે બાળક એ તો એક અકસ્માત જ છે ?

કેટલાંયે માબાપોને બાળક રાત્રે રમવા ઊઠે એ નથી ગમતું.

કેમ ? જાણે ભારે ઉજાગરો થતો હોય ! નાટક, સિનેમા, સોગઠાંબાજી, શેતરંજ કે ગંજીપાનાં પાનાંમાં થતા ઉજાગરાનો હિસાબ કોને પૂછવો ?

પણ ક્યાં છે કોઈને ખબર કે બાળક તો અનંતમાં રાચે છે ?

રાત્રિ અને દિવસ, સવાર બપોર કે સાંજ, એના આનંદ માટે સરખાં જ છે !

આપણે બાળક મટી ગયાં તે દિવસથી આપણામાં રાત્રિનું ઘોર અંધારું આવી ગયું.

બાળકને તો ઘોર અંધારી રાત્રે પણ અજવાળાં ઊગે; જ્યારે અજ્ઞાન પાપી હૃદયમાં દિવસના અજવાળે પણ ઘોર અંધારાં હોય !

નિર્દોષ હૃદય જ અંધારામાં પ્રકાશ ભાળે. બાળકો ખાતર આટલાં વાનાં આપણે હરગિજ ન કરીએ:

આપણે પાડોશી સાથે વઢીએ નહિ. હલકા પાડોશથી દૂર નાસીએ. આપણા હલકા મિત્રોનો ત્યાગ કરીએ. દુષ્ટ ભાઈબહેનો કે અન્ય સંબંધીઓને સલામ કરીએ.

ઘરમાંથી દુર્ગુણો દૂર કરવા માટે જંગ માંડતાં જરાય ન ડરીએ !