આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આપણાં બાળકોની ખાતર
૧૯
 


પોતાના દોષોને કાઢવા હઠયોગ આદરીએ; અને કદાચ બાળકને નુકસાન થતું હોય તો તેની માતાના ત્યાગને પણ આપણે અધર્મ્ય ન ગણીએ. બાળકને માટે ઘરમાં સ્વર્ગ રચવા કઠણમાં કઠણ આત્મભોગ આપતાંયે ન અચકાઈએ !

બાળક આપણને પ્રિય હોય તો તેને બગાડીએ તો નહિ જ. ચાકર રાખી તેને ન બગાડીએ; વિલાયતી રમકડાંની મોહિનીથી તેને ન બગાડીએ; પહેલેથી જ હિંસાનો પાઠ ભણાવી તેને પશુ ન બનાવીએ.

શું આપણે આપણાં બાળકોને મુક્ત નથી કરવાં ? — માન્યતાઓની બેડીમાંથી; આપણા એકમાર્ગી આદર્શોમાંથી; આપણને જ ગમતી કેળવણીની હોડમાંથી; આપણે ખુશીથી ગળામાં ઓળવેલી રૂઢિની જંજીરમાંથી; શિષ્ટાચારની જડતામાંથી; પારતંત્ર્યની પરાધીનતામાંથી.

સમાજની જોહુકમીભરી ગુલામીમાંથી આપણે એક વાર ગુલામ મટીએ ને બાળકને ગુલામીમાંથી મુક્ત કરીએ. જાણો છો ને કે ગુલામનું બાળક તો ગુલામ જ હોય ?

ત્યારે આપણે બાળકો ખાતર શું કરીએ ?

આજનું બાળક તે આવતી કાલની ગૃહિણી; આજનું બાળક તે આવતી કાલનો શહેરી.

એને માટે આપણે શું કરીએ ?

આજે જે આપણી પાસેથી શીખશે તે જ આવતી કાલે તે આચરશે.

આજે જે આપણે નહિ કરીએ તે ભવિષ્યમાં એનાથી કદીય નહિ બનવાનું.