આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકનું ઘરમાં સ્થાન ક્યું?
૨૫
 


એ એના પ્રિય દોસ્તો, પૃથ્વીનો ખોળો માના પ્રિય ખોળા કરતાંયે બાળકને વધારે વહાલો. પૃથ્વી તો માતાનીયે મા.

પણ બાળકને ખુલ્લી હવામાં જવા દઈએ તો એને શરદી ન થઈ જાય ? સૂરજનો તાપ લાગે ને તાવ આવે તો ? ને જમીન ઉપર રખડવાથી તો કપડાં બગડે ને શરીર પણ બગડે ! આ આપણી માન્યતા.

સૂવાથી પથારી બગડી જાય, માટે પથારીમાં સૂવું નહિ; રમવાથી કપડાં બગડી જાય, માટે રમવું પણ નહિ ! આ આપણો ન્યાય.

આપણે માટે એક કાયદો; બાળકો માટે બીજો કાયદો.

પણ કોઈ વાર કોઈએ પૂછી જોયું કે “બાપુ ! તારે રમવું છે કે કપડાં સાચવવાં છે ?”

કેવો માથામાં લાગે એવો જવાબ મળશે !

કુદરતનો સહવાસ બાળકમાં જીવન રેડે છે. પૃથ્વીના સ્પર્શમાં બાળકના કેવા આનંદો છે તે કોઈએ જાણ્યું છે ?

તમે પાછળ દોડો ને એ આગળ દોડે ત્યારે જ તમે સમજી શકો કે છૂટું રમવું બાળકને કેટલું બધું ગમે છે!

કોઈને ખ્યાલ છે કે બાળકને મન આખી સૃષ્ટિ-જીવન એ જ ચમત્કારથી ભરપૂર લાગે છે ?

પૃથ્વીની નિર્દોષ ધૂળ આપણા ચંદન કરતાંયે તેને વહાલી છે.

પવનની મીઠી લહેરો આપણી વિકારી ચૂમીઓ કરતાંયે એને પ્રિય છે.

બાલસૂરજનાં કોમળ કિરણો આપણા કર્કશ હાથ કરતાં એને કૂણાં લાગે છે.