આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘરમાં બાળકે શું કરવું?
૪૫
 


દુનિયામાં નાટક કરનારા અને નાટકનું વસ્તુ (પ્લૉટ) ખરાબ હોઈ શકે છે; નાટક જોનારાંઓ નાટકનો ખરાબ ઉપયોગ કરી શકે છે. પરંતુ નાટક સ્વતઃ ઉપર કહ્યું તેમ એક કલા છે ને તેથી તે નિર્મળ છે, એટલું જ નહિ પણ મનુષ્યને ગતિ આપનાર છે. તે જ્યારે હલકા માણસના હાથમાં પડે છે ત્યારે જરૂર ત્યાજ્ય છે. અને તેવું તો બધી સારી બાબતો પરત્વે છે. એટલે આપણે નાટક કરવાની ના ન પાડીએ, પણ ઊલટું તેમાં આપણે જાતે ભાગ લઈને નિર્દોષ અને બળવાન નાટકો કેવાં થાય છે તે બતાવીએ. બાળકો નાટક કરે; ભલે કરે. તેમનાં નાટકોનું વસ્તુ જોતા રહેવું. તેમના વિનોદો બહારના કારણે ગ્રામ્યતા (vulgarity) તરફ ન જાય તે જોવું; તેમનાં યુદ્ધો શેરીમાંથી મળેલ વાતાવરણને લીધે ગુંડાની મારામારી ન બને તે જોવું. તેમનાં નાટકો એટલે અભિનયને બદલે સીનસિનેરી ન થાય તે જોવું. એટલે તે માટે તેવું સારું વસ્તુ તેમને બતાવવું. સારું વસ્તુ બતાવવું અને અયોગ્ય વસ્તુનો અભાવ પેદા કરવો.

ઘરમાં નાટક કરવાને માટે ઓશરી એ રંગભૂમિ છે. ઘોળા દિવસે તડકો કે ચાંદની એ રોશની છે. અંધારી રાતે એક બત્તી તે કિટસન કે વીજળીનો પ્રકાશ છે. ઘરનાં બારણાં એ પડદાઓ છે. ઘરમાંથી બહાર જવું ને બહારથી ઘરમાં જવું; અગર અગાશીમાંથી દીવાનખાનામાં ને દીવાનખાનામાંથી અગાશીમાં જવું. ઘરમાં જે હંમેશનાં વપરાશનાં સાધનો છે તે પાત્રોના ડ્રેસ છે. બાનો સાડલો ઘડીકમાં સાફો, ઘડીકમાં દુશાલો, ઘડીકમાં ખેસ ને ઘડીકમાં કેડે બાંધવાની ભેટ થઈ જાય; બાપાની લાકડી એક વાર શેઠની લાકડી, બીજી વાર પોલીસની બંદૂક, ત્રીજી વાર મહેતાજીની સોટી અને ચોથી વાર લડાઈની તલવાર બની રહે. પોતાનાં લૂગડાં જુદી જુદી રીતે પહેરીને નવા નવા વેશો દેખાડી શકાય. ખરાબ રીતે કપડાં