આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
માબાપોને
 


ઠીક લાગે તે ભેગું કરવા છોડી મૂકવાં. તેઓ જે એકઠું કરે તે વધાવી લઈએ. તેમાં બકરાની લીંડીઓ અને કાચના કટકા પણ આવશે. પરંતુ આજે જે વસ્તુઓ સામે જોઈને આપણે હસીએ છીએ તે જ વસ્તુઓ આપણે નાનપણમાં ધારી ધારીને જોઈ છે; તે કેવી છે તે બધી ઇન્દ્રિયોથી જાણવા મહેનત કરી છે; વખત ગાળી તેને વિષે જ્ઞાન મેળવ્યા પછી જ આજે તેને નકામી કરી દીધી છે. પણ એમ તો જેમ જેમ આપણે આગળ વધીએ તેમ તેમ નકામું છોડતાં જઈએ છીએ; અને તેથી પાછળનાંઓ નકામું પડતાં છોડી દેશે એવી જાતઅનુભવની ખાતરીથી જ તેમને તે લેવા-એકઠું કરવા દઈએ.

ભેગું કરેલું સરસ રીતે ગોઠવી તેઓ કલાદૃષ્ટિ કેળવશે. ભેગી કરેલી વસ્તુઓને સાચવીને મૂકવાની અનુકૂળતા આપણે તેમને કરી આપીએ.

ફૂલો અને પાંદડાંને ખાસ રીતે એકઠાં કરવાનું બતાવી શકીએ. બાળકો ફૂલો અને પાંદડાં લાવીને ચોપડીમાં દબાવીને મૂકી દે. તેઓને વનસ્પતિનો આ રીતે પણ ઠીક પરિચય થશે. ચિત્ર માટે આ નમૂના કામમાં આવે; શણગાર રૂપે આ નમૂનાને વાપરી શકાય.

: ૧૪ :
રેતીનો ઢગલો

આંગણા સામે રેતીનો ઢગલો એટલે પ્રવૃત્તિઓની શાળા. બાળકોને ત્યાં જવા દેવાં. કૂવા, બાગ, રસ્તા, ગઢ, ડુંગરા વગેરે છૂટથી કરવા દેવાં. માથામાં રેતી ન ભરાય તે બતાવવું. રેતીવાળા હાથ ધોવાને માટે પાણીની જગા આપી દેવી. રેતીમાં રમવાથી કપડાં મેલાં થતાં હોય તો માત્ર ચડી જ પહેરાવવી.