આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘરમાં બાળકે શું કરવું?
૪૯
 


રેતીની અંદર ઘણું કામ બાળકો કરે છે તેની ખાતરી નજરે જોઈને કરવી. રેતીનો ઢગલો ફળિયું હોય તો અને પોસાય તો જરૂર આપો. બે ગાડાં રેતી બસ છે, એટલે દોઢ રૂપિયો બેસશે. જોકે શહેરમાં આ નહિ બની શકે.

ઉપર વર્ણવેલી પ્રવૃત્તિઓ જેવી જ બીજી ઘણી પ્રવૃત્તિઓ છે જેવી કે સિક્કા સાફ કરવા, રંગોળી પૂરવી, તકલી ચલાવવી, વાળવું ચોળવું, વાસણ માંજવાં, કપડાં ધોવા, વાંચવું, લખવું વગેરે વગેરે. એવી બધી પ્રવૃત્તિઓને ઘરમાં સ્થાન છે.

આપણે ઉપલી યાદી વાંચીને તે પ્રમાણે ઝટઝટ પ્રવૃત્તિ ગોઠવી દેવાથી નહિ ચાલે. તે બાબતમાં થોડોએક વિચાર કરી લેવો પડશે. આપણે બાળકોની રમતો (games) અને પ્રવૃત્તિઓ (activities) બેને જુદાં સમજવાં. ઘરમાં બાળકો ઘણી જાતની રમતો રમી શકે, જેમ કે ચલકચલાણું, ગણગણ બોશલો, ગંજીપો, ચોપાટ વગેરે. બાળક એકલું પણ રમે ને બીજા સાથે પણ રમે. રમતો બધી આનંદ-આરામ માટે છે; એનો મુખ્ય હેતુ આનંદ કરવાનો છે. જ્યારે ઉપર વર્ણવેલી બધી પ્રવૃત્તિઓ છે, ને પ્રવૃત્તિઓનો પ્રધાન આત્મા સર્જન(creativity) છે. તે કરવાનું બાળકને મન રમતરૂપ છે; છતાં તે રમત (game) નથી. રમતમાં કંઈક કરવાનું હોય છે; ક્રિયા છે. સાત ટાપલિયા દાવમાં દોડવાનું છે, છતાં દોડવું એ એનો ઉદ્દેશ નથી; દોડીને હાથ ન આવવું કે ન પકડાવું એ ઉદેશ છે. આથી ક્રિયા રમતમાં અંતર્ગત છે. ઝાડને પાણી પાવું એ ક્રિયા છે; તેનો હેતુ તે ક્રિયા જ કરવાનો છે, અર્થાત્ ઝાડને પાણી પાવાનો છે. ત્યાં ક્રિયા અને હેતુ એક છે. અહીં ઝાડને પાણી પાવાને એક ક્રિયા અર્થાત્ પ્રવૃત્તિ કહેલ છે.