આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોએ શું કરવું ?
૫૯
 


ભણતર શરૂઆતમાં ઈન્દ્રિય કેળવણી ન લીઘેલી હોવાથી નકામું જાય છે. નવું દાખલ થનાર બાળક મોટા નાના પદાર્થોમાં રહેલો ભેદ પારખી શકતું નથી. એ વખતે તેને લંબાઈ ટૂંકાઈનો કે પહોળાઈ જાડાઈનો ખ્યાલ ભાગ્યે જ હોય છે. તેની સ્પર્શની ઈન્દ્રિયને સુંવાળપ અને ખડબચડાપણામાં રહેલો તફાવત નથી સમજાતો. તેને રંગની પારખ તો હોતી જ નથી. આકારોમાં તે થોડું જ સમજે છે. તેના કાનને ઘોંઘાટ અને સુંદર સુમધુર સ્વરો લગભગ સરખા જ હોય છે. તેની આસપાસ રૂપરંગથી ભરેલી આખી દુનિયા પડી છે છતાં તેમાં તેને કાંઈ દેખાતું નથી; તેમાં તેને કશોય રસ હોતો નથી. પરંતુ જ્યારે તેનો ઈન્દ્રિયવિકાસ થાય છે ત્યારે તે પોતાની કેળવાયેલ આંખોથી સૃષ્ટિની સુંદરતાને, કેળવાયેલ કાનથી સંગીતની સુમધુરતાને ને કેળવાયેલ સ્પર્શથી જાતજાતના પદાર્થોની સપાટીના લાલિત્યને ભાળી શકે છે. તે તેના આનંદમાં આનંદિત થાય છે. અત્યાર સુધી બાળકના જીવનમાં જે દિશા બંધ હતી તે ઊઘડે છે, ને તેનું જીવનસુખ આકાશથી પાતાળ સુધી વિશાળ બને છે. અહીં બાળક રમતાં રમતાં તેને ખબર પણ ન પડે તેમ આ ઇન્દ્રિયવિકાસ મેળવી લે છે. આ એનું બીજું અને ખરું ભણતર છે.

આ બીજું ભણતર ભણી રહ્યા પછી જ અમે તેને આજની શાળામાં અમારું ભણતર આપવા માંડીએ છીએ; કારણ કે પેલા બે પ્રકારનું ભણતર અમે પાયા રૂપ ગણીએ છીએ. આથી જ અમારે ત્યાં બાળક આવે કે તરત જ તેને એકડો ઘૂંટાવતા નથી, તેમ તેને કક્કાના પાઠ લેવરાવતા નથી. પણ જે માબાપો પોતાના બાળકને મોટું થવા મોકલે છે, તે માબાપો જ્યારે બરાબર ભણતરનો ખરો વખત આવી લાગે છે ત્યારે બાળકને ઉપાડી લઈ ચાલતાં