આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોએ શું કરવું?
૬૯
 


રાખી તલવાર ઝાલી ફરે. એક હથિયાર એક જાતનો કચરો કાઢવાનું, બીજું હથિયાર બીજી જાતનો કચરો કાઢવાનું. છોકરીઓ લડાઈમાં ન ઊતરે તો ચાંદબીબી ક્યાંથી થાય ? છોકરાઓને કાંતવા નહિ દેશો તો તેમને રસોઈ કરી દેવી પડશે ને છોકરીઓ લડવા જશે. આપણે જો છોકરા અને છોકરીઓમાં ભેદ રાખશું તો આવાં વિચિત્ર અને સુંદર પરિણામો આવશે. આપે જોયું હશે કે કેવાં કેવાં કારણોસર માબાપો છોકરાંને અહીં મોકલે છે, ને કેવા કેવા લાભ હાનિ ઉઠાવે છે. આપ આપના બાળકને મોકલતાં પહેલાં જરૂર આ બધી બાબતોનો વિચાર કરી જોશો જ.

હવે આપણે આપણા બાળક પ્રત્યે આપની પોતાની ફરજ વિષે વાત કરીએ. માબાપોની બાળક પ્રત્યે આટલી મોટી અને ગંભીર ફરજ છે કે એના ઉપર ભાગવત લખીએ તોપણ નાનું જ ગણાય. એટલે અહીં તે વિષે માત્ર ઉલ્લેખ કરીશું. અહીં હું આપે કયાં કયાં સૂત્રો યાદ રાખવાં ને તેનું પાલન કરવું તેની થોડીએક યાદી આપીશ. અમારી પ્રથમ ઇચ્છા એ છે કે આપ આપના બાળકને કદી પણ શિક્ષા ન કરો. શિક્ષાથી બાળકને શરીર પીડા થાય છે તેની મને જરા પણ ચિંતા નથી, કારણ કે મારની અસર તો થોડો જ વખત રહે છે; બાળક તે ભૂલી પણ જાય. પરંતુ શિક્ષાથી જે ભય ઉત્પન્ન થાય છે તે ભયંકર છે, પ્રાણઘાતક છે, દુષ્ટ છે. ભયને લીધે બાળક બીકણ, જૂઠાબોલું ને નામર્દ થાય છે. ભયને લીધે બાળક આગળ જતાં દુરાચારી થાય છે. આપણે આજે ધર્મથી, સમાજથી, રૂઢિથી, જ્ઞાતિથી અને સત્તાથી ડરીએ છીએ તેનું કારણ શું ? તેનું કારણ આપણામાં નાનપણથી પેસી ગયેલો ભય જ છે. બીજાના ભયને લીધે જ આપણે જૂઠું બોલીએ છીએ અને નામર્દાઈ બતાવીએ છીએ. આજે આપણે