આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
માબાપોને
 


કેટલાંયે ઘરોમાં બાળક માટેના પ્રેમથી અને ઉદારતાથી તેને રમવા માટે રમકડાં રખાય છે ખરાં; અને બાળક એક ખૂણે બેસીને રમ્યા કરે એમ તેને કહેવામાં આવે છે. છતાં એવાં રમકડાંથી તેઓ લાંબો વખત સંતોષ પામતાં નથી. બહુ વારે જ્યારે બાળક રમકડાંથી અકળાય છે ત્યારે તેને ફોડી નાખે છે, અથવા ખિજાઈને દાંતથી ચાવીને ફેંકી દે છે.

જો તમને એમ લાગે કે આ વાત સાચી છે, અને બાળકને માટે તો જેવો જોઈએ તેવો ઘરમાં એક પણ ખૂણો નથી કેમ કે જે બધાં સાધનો છે તે તેમને માટે તો બહુ મોટાં છે, તો તમારે તમારા ઘરમાં સુધારો કરવો જોઈએ. બાળકને અનુકૂળ થાય તેવાં નાનાં વાસણો, નાની ટબૂડીઓ, વાટકીઓ અને તેઓ ઉપાડી શકે તેવાં ધોકણાં, નાની સાવરણી, એમ બધી સામગ્રી તેમને માટે નાની સંપડાવવી જોઈએ; કેમ કે બાળક ઘરમાં બેઠું બેઠું જે આપણે કરીએ તે કરવાનું મન કરે છે. ઘણી વાર તમે માતાઓએ જોયું હશે કે બાળક રોટલી વણવા, કઢી હલાવવા, ઠામ માંજવા, ધોવા, સંજવારી કાઢવા વગેરે માટે તત્પર થાય છે. પણ એવા કામ માટે ઘરમાં બધાં સાધનો મોટાં હોવાથી તેમને કદાચ ઈજા થશે એમ જાણીને આપણે તેમને અડવા જ દેતાં નથી. એમ થવાથી બાળકો નાખુશ થાય છે; અને પછી આપણે એવું કામ તેમને કરવાનું જ્યારે કહીએ છીએ ત્યારે ઊલટાં તે સામાં થાય છે, અને પછી આપણને લાગે છે કે બાળકો આપણું કહ્યું કરતાં નથી.

બાળકનો સહજ સ્વભાવ છે કે તે ઘરમાં કામ કરવા માગે; પાટલા માંડવા, સંજવારી કાઢવા, વગેરે માટે તે મન કરે. પણ કાં તો વાગવાની કે બગાડી નાખવાની કે ફોડવાની બીકથી તેને ના પાડવામાં આવે છે, એટલે તે તરત નાખુશ થઈ રડે છે અને પછી