આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાઓને
૮૩
 


શાંત થાય છે. પણ ત્યાર પછી તે બાળકને માબાપ કાંઈ કામ કરવાનું કે કાંઈ વસ્તુ લાવી આપવાનું કહે છે ત્યારે તે કહ્યું કરતું નથી, તેમ જ કશું શોધી લાવતું પણ નથી. બાળકોને જ્યારે આપણી માફક કામ કરવાનું મન થાય ત્યારે તેમને સંતોષ આપવો જોઈએ, અને તેમનાથી કામ થઈ શકે તેટલા સારુ તેમને લાયકની બધી નાની વસ્તુઓ વસાવવી જોઈએ. પણ તેમને લાયકનું કશું સાધન નહિ હોવાથી તથા બધી ચીજો તેમના ગજા કરતાં મોટી ને છેટી હોવાથી તેમને જે જોઈએ તે માગ્યા કરવું પડે છે; અને આપણને લાગે છે કે તે આપણો જીવ ખાય છે. પણ જો બધી ચીજો તેને સારુ નાની હોય અને તેને ઘટે તેવી સગવડો હોય, તો તે પોતાનું કામ પોતાની મેળે જ કર્યા કરશે એમ હું અનુભવથી કહી શકું છું.

અહીં બાલમંદિરમાં બધાં સાધનો એવી રીતે ગોઠવ્યાં છે કે બાળકો પોતાની મેળે પોતાને ફાવે તે લઈ શકે છે. તેઓ મેળે જ પોતાને આસને બેસે છે, તેમને જોઈએ તેવડાં અને જોઈએ તેવાં સાધનો પોતાની મેળે લે છે, આનંદથી રમ્યા કરે છે અને રમી રહ્યા પછી પોતાની મેળે તેમને બરાબર જગાએ મૂકી દે છે. મારે તેમને એ બાબતમાં કહેવું પડતું જ નથી.

બાળકનો સ્વભાવ જ શાંત બેસી રહેવાનો નથી. તેને કાંઈ ને કાંઈ કરવાનું મન થાય છે. કેટલાક પૈસાપાત્ર લોકો અને મોટા માણસોના ઘરમાં એવું જ મનાય છે કે બાળકોથી કેટલાંક કામો થાય જ નહિ; ઘણે સ્થળે તો તેમને નવરાવવાં, વાળ ઓળવા, કપડાં પહેરાવવાં, બૂટ પહેરાવવા વગેરે કામો મોટેરાં કે નોકરો કરી આપે છે. જો કોઈ માણસ આપણને ખોરાક ચાવીને મોઢામાં મૂકવાની નોકરી કરવા આવે તો આપણને તેવો નોકર ગમશે કે ?