આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
માબાપોને
 


આપણે તરત જ તેવા નોકરની ના જ પાડશું. પણ બાળકને તો બધું આપણે જ ચાવી આપીએ છીએ; આપણે જાતે તેમને બધું કામ કરી દઈએ છીએ. તેમને કદાચ લાગી જશે, તેમનાં લૂગડાં બગડશે, તેઓ ઘરના કામમાં આડાં આવશે કે કાંઈ કામ બગાડી મૂકશે, એમ કરીને આપણે તેમને કામથી અટકાવી રાખીએ છીએ અને મના કરીએ છીએ. તેમને ઈજા થશે અથવા તે બરાબર કરશે નહિ અને બગાડશે, એ જોવું જ ન જોઈએ. માત્ર તેઓ કામ કરવાનો સંતોષ પામે અને તેમની જિંદગીને કશું જોખમ ન થાય એટલી જ સાવચેતી રાખવાની જરૂર છે.

કહેવત છે કે “હૈયું બાળ્યા કરતાં હાથ બાળવા સારા.” એટલે કે બાળકો તોડી ફોડી નાખે તે કરતાં આપણે બધું કરી દઈએ તે સારું. પણ તે ખોટું છે. એમ કરવાથી તેઓ પોતાની મેળે કામ કરતાં શીખી શકતાં નથી. તેઓ પોતાની મેળે કામ કરતાં થાય એવું કરે તે જ ખરી માતા છે. બે વરસની ઉંમરનાં બાળકો પણ પોતાનાથી બનતું કામ શા માટે મેળે ન કરે ?

યુરોપમાં એક નિશાળમાં ત્રણ ચાર વરસનાં છોકરાં પોતાનો ખોરાક પોતપોતાની મેળે કાચનાં વાસણોમાં પીરસીને ખાય છે, અને તે વાસણો પોતાની મેળે પાછાં ધોઈને ઠેકાણે મૂકી દે છે; અને એમ હેરફેર કરવામાં તેઓ તે ફોડતાં પણ નથી. યુરોપની એક બાળ–મૉન્ટેસૉરીની આવી બાળનિશાળની જો હું તમને વાત કરું તો તમે તાજુબ થઈ જાઓ ! અને એ બધી વાત દુનિયાની નહિ પણ કોઈ સ્વર્ગની તમને લાગે. ત્યાં નાનાં બાળકો જાતે પોતાના વાળ ઓળે છે, જાતે કપડાં બૂટ વગેરે પહેરે છે, અને તેનાં બુતાન પણ મેળે જ બાંધે છોડે છે. પણ અહીં આ બાલમંદિરમાં કેટલીક સાડા પાંચ વરસની વયની કન્યાઓ આવે છે તેમને તેમની