પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૧૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મારા ‘કૉમ્પ્રોમાઈઝ’ના ભાષાન્તરમાંથી એક હજાર આવશે તેમાંથી પાંચસો રૂપિયા પૂ. પિતાશ્રીના નિમિત્તે, સવાસો રૂપિયાની ચાર શિષ્યવૃત્તિ માટે કાઢવાનો નિશ્ચય રાખ્યો છે. ચાર છોકરા અથવા છોકરી વસ્ત્રકળાશાસ્ત્ર સવાસો રૂપિયામાં છ મહિનામાં આશ્રમમાં રહી શીખી શકે. તમને આ વાત પસંદ છે કે કેમ તે જણાવશો.

હવે મારે વારંવાર, એટલે બબ્બે મહિને આવી જવું પડશે. છ મહિના સુધી તો ઈચ્છાથી બહાર ન નીકળાય અને જમીન જ્યાં સુધી સાંથી દેવામાં નથી આવી ત્યાં સુધી તે અહીં હોય એ જરૂરનું છે. અહીં ઘેર એકે પુરુષ રહ્યો નથી એ ભારે દુઃખ છે. જો છોટુભાઈનો એકાદ ભાઈ અહીં રહે તો તેને રાખવાનો પ્રયત્ન કરીશ. હાલ એ જ.

લિ○ સ્નેહાધીન,
મહાદેવ
 


પિતાશ્રીનો દેહાન્ત થયો ત્યારે હું બારડોલી તાલુકામાં સરભણ ગામે રહેતો હતો. એ ચોમાસાના દિવસ હતા ને વખતે વરસાદ આવે તો સુરતથી દિહેણનો રસ્તો કઠણ થઈ પડે. એટલે એમણે મને તે વખતે દિહેણ આવવાની ના લખેલી. પણ કાગળ મળ્યા પછી હું તરત દિહેણ પહોંચ્યો. બહેનો રડવાફૂટવાનું ન કરે માટે ગરુડપુરાણ વંચાવવાનો રિવાજ છે. મહાદેવે કોઈ વાર ગરુડપુરાણ વાંચેલું કે સાંભળેલું ન હતું. એનું શ્રવણ ચિત્તની શાંતિ કરનારું હશે એમ માની આગ્રહપૂર્વક એ વંચાવ્યું. પણ એમાં તો યમના માર અને નરકની યાતનાઓનાં ઘોર વર્ણનો સાંભળી એમને

૧૦૦