આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જેમ રાખતાં, એની વાતો બહુ વાર મારી આગળ તેમણે કરેલી. માતુશ્રી ઘણીવાર શીરો કરીને ખવડાવતાં એ મહાદેવને ખાસ યાદ રહી ગયેલું.

પિતાશ્રી સ્વભાવે બહુ સરળ અને સીધા હતા. કોઈ પણ માણ સ ઉપર વિશ્વાસ મૂકતાં તેમને વાર લાગતી નહીં. તેમની સ્મરણશકિત અને બુદ્ધિ બહુ તીવ્ર હતાં અને અક્ષર મોતીના દાણા જેવા હતા. ટ્રેનિંગ કૉલેજમાં ભણતા તે વખતની ઝીણા કાગળની સુંદર અક્ષરે લખેલી નોટો પછીના સ્કૉલરો પોતાના અભ્યાસ માટે લઈ જતા. તેમનું તેમ જ બાપુભાઈનું ગણિત બહુ જ સારું હતું. તેમાંયે બાપુભાઈ તો ગણિતમાં એટલા એક્કા હતા કે મહાદેવ કહેતા કે તેમને તક મળી હોત તો સિનિયર રૅંગલર થાય એવા હતા. અંગ્રેજી કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ અને હાઈસ્કૂલના માસ્તરો રજાઓમાં ગામ આવે ત્યારે અઘરા દાખલા તેમને પૂછવા આવતા. અને તેઓ તે ગણી આપતા, એક વખત ઘેર કાંઈ વરો હતો તે માટે સુરતથી બે ગાડાં ભરીને સામાન લાવેલા તેની યાદી દરેક સામાનની કિંમત અને વજન અથવા નંગ સાથે તેમણે ઘેર આવીને મોઢેથી જ લખાવેલી. હરિભાઈ રાતે બધા છોકરાઓને એકઠા કરી મોઢેથી જ લેખાં અને ગણિત શીખવતા. શિક્ષક તરીકેની આખી કારકિદી દરમ્યાન તેમણે કોઈ દિવસ ગણિતની ચોપડી હાથમાં પકડી નહોતી. બધી રીતો મોઢેથી જ શીખવતા અને નવા નવા દાખલા બનાવીને મોઢેથી જ લખાવતા. મહાદેવને પણ ગણિતમાં નિપુણતા વારસામાં મળી હતી.