આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નહીં પણ પોતાના પ્રેમથી વિદ્યાર્થીઓનાં દિલ જીતી લેતા. સુરત જિલ્લાનાં ગામડામાં ગાળ બોલવાનો રિવાજ બહુ હોવા છતાં—આજે પણ છે—તેઓ કદી ગાળ બોલતા નહીં, એટલું જ નહીં પણ તેમની હાજરીમાં બીજા બોલે તેની એમને ભારે ચીડ હતી. જે જે ગામમાં શિક્ષક તરીકે ગયા તે તે આખા ગામ ઉપર તેમણે બહુ સારી છાપ પાડી હતી, અને પ્રેમ સંપાદન કર્યો હતો. વળી તેઓ એટલા સ્વતંત્ર મિજાજના અને સ્વમાની હતા કે ઈન્સ્પેક્ટરોને પણ તેમની સાથે અદબથી વર્તવું પડતું. અમદાવાદમાં બનેલો એક પ્રસંગ મને બરાબર યાદ રહી ગયો છે. રજાઓમાં ટ્રેનિંગ કૉલેજની વિદ્યાર્થીનીઓનો એક દસબાર દિવસનો નાનો પ્રવાસ ત્યાંની ઍગ્લોઇંડિયન લેડી સુપરીન્ટેન્ડેન્ટે ગોઠવેલો. જવાને આગલે દિવસે તેના કોઈ મિત્રે એને મળવા બોલાવી એટલે એણે હરિભાઈને ચિઠ્ઠી લખીને જણાવ્યું કે કાલે વિદ્યાર્થિનીઓ સાથે પ્રવાસમાં તમારે જવું. એમનો તો પિત્તો ઊછળ્યો. તરત જ લેડી સુપરિન્ટેન્ડેંટને જવાબ આપ્યો કે વિદ્યાર્થિનીઓ સાથે પ્રવાસમાં જવાનું કામ મારું હોય નહીં. હું આ ઉંમરે આવી રખડપટ્ટી કરી શકું નહીં, એટલું જ નહીં પણ તમે સાથે જાઓ એ જ શોભે, એ તમારી ફરજ છે. પેલી બિચારી ટાઢી થઈ, અને જવાનું કહેવા માટે દિલગીરી દર્શાવી. આમ કોઈ પણ પ્રસંગે અને જ્યાં જાય ત્યાં એમના સ્વમાનીપણાનો અને સંસ્કારિતાનો પ્રભાવ પડ્યા વિના રહેતો નહીં. એમનો ચળકતો ચહેરો અને પ્રેમાળ આંખો આજે મનઃચક્ષુ આગળ ખડાં થાય છે.